લો બોલો હવે ઠગોએ અપનાવી ઠગવાની આ રીત: બાલ્ટીમાં પાણી નાખી કોરા કાગળમાંથી ચલણી નોટ બનાવ્યાનું બતાવી ઠગાઈ કરી

પારડી: લોભિયા હોય ત્યાં, ધુતારાઓ ભૂખે ન મરે જે કહેવત પારડીમાં (Pardi) બનેલ કિસ્સા પરથી સાચી બની છે. પારડી ફાઉન્ટન હોટલ (Fountain Hotel) સામે સર્વિસ રસ્તા (Service Road) પર જામનગર (Jamnagar) ના બે ભાગીદાર વેપારી મિત્રને એકના ટ્રિપલ કરવાની લાલચમાં રૂ.7 લાખ ગુમાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે અંગેની ફરિયાદ પારડી પોલીસ (Police) મથકે નોંધાઈ છે.

  • ધ્રાંગધ્રાથી સ્કોર્પિયોમાં આવેલા મુખ્ય ભેજાબાજ મોરબીના યુસુફ ઉર્ફે મહેશ કાદર સહિત 5 ઈસમ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ગુનો દાખલ
  • પારડીમાં એકના ટ્રિપલ કરવા જતા જામનગરના વેપારી પાર્ટનરે રૂ. 7 લાખ ગુમાવ્યા

10 દિવસ અગાઉ ધ્રાંગધ્રામાં સ્કોર્પિયોમાં આવેલા ઠગબાજોએ બાલ્ટીમાં બીસ્લેરી બાટલીમાંથી પાણી અને કેમિકલ નાખી કોરા કાગળમાંથી રૂ. 500 અને 100ની ચલણી નોટ બનાવી પ્રેક્ટિકલ બતાવી વિશ્વાસ ઉભો કર્યો હતો. એડવાન્સ ફી રૂપે 50 હજાર પડાવ્યા હતા. જેની લાલચ આપી વેપારી મિત્ર પ્રવીણ નારણ સોનાગરા અને જીલાભાઇ ઉર્ફે ભગત વશરમ ભરવાડને જામનગર થી અલ્ટો કાર જી.જે.13 સી.સી. 3919 લઈને ગતરોજ વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઈ વે પર બોલાવ્યા હતા. બાદમાં પારડી ફાઉન્ટન હોટલ સામે સર્વિસ રોડ પર મળસ્કે 4 વાગ્યે બોલાવ્યા હતા. જ્યાં સ્ક્રોપીયો કાર નં. જી.જે. 36 આર. 4746 લઈને બે ભેજાબાજ યુસુફ અને રફીક આવ્યા હતા. ફરિયાદી ને 7 લાખ રૂપિયા લાવ્યા કે તે પુછતા વેપારી મિત્રો એ રૂપિયા ભરેલ બેગ બતાવીને આપી દીધી હતી. પૈસા બનાવું ત્યાં સુધી હોટલમાં પાર્ક કરેલ કાર લઈને આવવા જણાવ્યું હતું. એક મિત્ર કાર લેવા જતા બાઈક પર ત્રણ અજાણ્યા ઈસમો આવીને ફરિયાદી પ્રવીણભાઈને મારવા લાગ્યા હતા. જેથી ગભરાઈને ફાઉન્ટન હોટલના બાથરૂમમાં સંતાઈ ગયો હતો. ત્યારબાદ પ્રવીણભાઈ ન આવતા અન્ય મિત્ર ત્યાં જોવા ગયો હતો. પરત ફરીને જોતા સ્ક્રોપીઓમાં આવેલા ભેજાબાજો કાર લઈને ભાગી છૂટ્યા હતા. ત્યારે બંને મિત્રને તેઓ ફસાયા હોવાનું જણાયું હતું. એક ના ત્રણ ગણા બનાવવા જતા તેઓએ રૂ. 7 લાખ ગુમાવ્યા હતા. આખરે પારડી પોલીસ મથકે મોરબીના મુખ્ય ભેજાબાજ યુસુફ ઉર્ફે મહેશ કાદર અને રફીક તેમજ ત્રણ અજાણ્યા સહીત 5 ઈસમો વિરુદ્ધ પારડી પોલીસ મથકે પ્રવીણભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ થયો છે. જેની આગળની તપાસ પીએસઆઇ કે.એમ.બેરિયા એ હાથ ધરી છે.

Most Popular

To Top