SURAT

સરકારી નોકરીના નામે લાખોની ઠગાઈ!4 લાખ લૂંટનાર આરોપી બોર્ડર પરથી ઝડપાયો

સુરતમાં સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના ઝોન-6 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે લાંબા સમયથી નાસતા ફરતા આ આરોપીને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી દબોચી લીધો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી અશ્વિન પ્રભાતસિંહ પાડવી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. આરોપીને પકડવા માટે LCBની ટીમે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું અને છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી.

3 દિવસ સુધી રેકી, પછી ગોઠવાયું જાળ : પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના તલંબા ગામમાં છુપાયેલો છે. સુરતથી અંદાજે 200 કિમી દૂર આવેલા આ વિસ્તારમાં પોલીસે સતત 3 દિવસ સુધી રેકી કરી અને આરોપીની હરકતો પર નજર રાખી હતી. અંતે તેની ચોક્કસ હિલચાલ અંગે માહિતી મળતા જ પોલીસે એક્શન લીધો.

બોર્ડર પર જ દબોચાયો આરોપી : ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે જાળ બિછાવી હતી. જ્યારે આરોપી ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારના મટાવલ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો, ત્યારે જ પોલીસે તેને ઝડપી લીધો. આરોપી વિરુદ્ધ અગાઉથી જ કોર્ટ વોરંટ પણ જારી કરવામાં આવ્યો હતો.

નોકરીના નામે 4 લાખની છેતરપિંડી : પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતે પ્રભાવશાળી વ્યક્તિ હોવાનો દેખાવ કરી લોકોને વિશ્વાસમાં લેતો હતો. સરકારી વિભાગોમાં ઓળખાણ હોવાનું કહી તેણે ભોગ બનનાર પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹4 લાખ વસૂલ્યા હતા.

વાયદા બાદ વાયદા, પછી ફરિયાદ : લાંબા સમય સુધી નોકરી ન મળતા ભોગ બનનારને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. ત્યારબાદ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી IPC કલમ 318(4) અને 54 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top