બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા મુશ્કેલીમાં આવી ગયા છે. મુંબઈના એક ઉદ્યોગપતિએ બંને પર 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. આ મામલો તેમની બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ શિલ્પા, રાજ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ફરિયાદી દીપક કોઠારી, જે લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે,નો આક્ષેપ છે કે શિલ્પા અને રાજે વ્યવસાય વિસ્તરણના નામે તેમના પાસેથી મોટી રકમ લીધી, પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કર્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ પહેલા જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જ્યાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોની કલમો હેઠળ ગુનો દાખલ થયો. રકમ 10 કરોડથી વધુ હોવાને કારણે તપાસ EOWને સોંપવામાં આવી છે.
આખો મામલો શું છે?
કોઠારીના કહેવા મુજબ, રાજેશ આર્ય નામના વ્યક્તિએ તેમને શિલ્પા અને રાજ સાથે પરિચય કરાવ્યો હતો. તે સમયે બંને બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા અને કંપનીમાં 87.6 ટકા હિસ્સો ધરાવતા હતા. આ એક હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ કંપની હતી.
શિલ્પા અને રાજે કોઠારી પાસે 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી અને 12 ટકા વ્યાજ ચૂકવવાનું કહ્યું હતું. બાદમાં તેમણે સલાહ આપી કે લોનને “રોકાણ” તરીકે દર્શાવીએ, જેથી કરનો ભાર ઓછો પડે. સાથે જ દર મહિને નફો અને મૂળ રકમ પરત આપવાનું વચન આપ્યું હતું.
કોઠારીએ એપ્રિલ 2015માં 31.9 કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર 2015માં 28.53 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ રકમ શેર સબ્સ્ક્રિપ્શન અને પૂરક કરાર હેઠળ આપવામાં આવી હતી.
કોઠારીનો દાવો છે કે એપ્રિલ 2016માં શિલ્પાએ વ્યક્તિગત ગેરંટી આપી હતી, પરંતુ સપ્ટેમ્બર 2016માં ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. 2017માં કંપની નાદાર થઈ ગઈ અને કરારની શરતોનું પાલન ન થયું. ફરિયાદીનું કહેવું છે કે તેમની રકમનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચમાં થયો છે.
હાલમાં EOW આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. FIR નોંધાઈ ચૂકી છે અને તપાસ દરમિયાન વધુ નામો સામે આવવાની સંભાવના છે. આ કેસથી ફરી એક વાર રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના વ્યાપારિક વ્યવહારો પર સવાલો ઉભા થયા છે.