Editorial

ફ્રાન્સના ચૂંટણી પરિણામો ઉદાર મતવાદીઓ માટે ચિંતાનો વિષય

ફ્રાન્સની સંસદીય ચૂંટણીના પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર થતાં તેમાં અતિ જમણેરી વાદી લી પેનનો નેશનલ રેલી(આરએન) પક્ષ વિજયી બન્યો છે અને મેક્રોનનું સેન્ટ્રિસ્ટ એલાયન્સ ગઠબંધન ત્રીજા સ્થાને ધકેલાઇ ગયું છે અને ડાબેરી મોરચો ન્યુ પોપ્યુલર એલાયન્સ બીજા સ્થાને રહ્યો છે. ફ્રેન્ચ  રિપબ્લિકની 17મી નેશનલ એસેમ્બલીના તમામ 577 સભ્યોને પસંદ કરવા માટે ફ્રાન્સમાં 30 જૂન 2024ના રોજ પ્રારંભિક સસદીય ચૂંટણી યોજાઈ હતી, જેમાં બીજો રાઉન્ડ 7 જુલાઈએ યોજાશે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા નેશનલ એસેમ્બલીના વિસર્જનને અનુસરે છે, જેમણે ફ્રાન્સમાં 2024ની યુરોપીયન સંસદની ચૂંટણી પછી ત્વરિત ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હતું. આ ચૂંટણીમાં અતિ  જમણેરી રાષ્ટ્રવાદી પક્ષ આરએનને પ્રથમ રાઉન્ડમાં બહુમતિ મળતા ફક્ત  ફ્રાન્સમાં જ નહીં પણ વિશ્વભરમાં ઉદાર મતવાદીઓમાં ચિંતાઓ સર્જાઇ છે.

આરએનને ૩૩ ટકા, ડાબેરીઓને ૨૮ ટકા અને સેન્ટ્રિસ્ટ એલાયન્સને માત્ર ૨૦ ટકા મત મળ્યા હતા. પ્રથમ રાઉન્ડના પરિણામો પછી પેરિસના રસ્તાઓ અને શેરીઓમાં ડાબેરીવાદીઓએ  તોફાનો શરૂ કરી દીધા હતા. તેમણે કચરો બાળ્યો હતો, દુકાનોના કાચ  તોડ્યા હતા અને ફટાકડાઓ પણ ફોડ્યા હતા! ફ્રાન્સ આમ પણ છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર થતા તોફાનોને કારણે કુખ્યાત બની ગયું છે.

કોરોના રોગચાળા પહેલા અહીં મહિનાઓ સુધી યલો વેસ્ટ નામના તોફાનો ચાલ્યા જેમાં ખાસ તો આર્થિક કારણો જવાબદાર હતા. સરકારની આર્થિક નીતિઓ સામે સમાજના નબળા વર્ગનો રોષ તેમાં ખાસ જવાબદાર હતો. રોગચાળા પછી મેક્રોનના પેન્શન સુધારાઓના વિરોધમાં તોફાનો ચાલ્યા. હવે ચૂંટણી પરિણામ આવ્યા બાદ તોફાનો થયા છે જેમાં ડાબેરીઓએ તોફાનો કર્યા છે જેઓ સત્તા પર કબજો જમાવવાની આશા રાખતા હતા. મેક્રોનના ગઠબંધનના લોકો શાંત રહ્યા છે જે ગઠબંધન ત્રીજે સ્થાને ધકેલાઇ ગયું છે.

આ તોફાનો એ પણ દર્શાવી આપે છે કે વિશ્વની, પશ્ચિમી દેશોની લોકશાહીઓમાં પણ ચૂંટણી પરિણામો પછી પણ તોફાનો થઇ શકે છે. અગાઉ અમેરિકામાં ટ્રમ્પના પરાજય વખતે અને બ્રાઝિલમાં જૈર બોલસોનારોના પરાજય વખતે આવા તોફાનો થઇ ચુક્યા છે. જો કે તે  તોફાનો અને ફ્રાન્સના તોફાનોમાં થોડો ફેર એ છે કે ફ્રાન્સના આ તોફાનો હારેલા શાસક પક્ષના સભ્યોએ કે ટેકેદારોએ કર્યા નથી પણ ડાબેરીઓના ટેકેદારોએ કર્યા છે. ફ્રાન્સમાં હાલના આર્થિક કારણોસર નબળા વર્ગો, કામદાર વર્ગોનો ઝોક ડાબેરીઓ તરફ હોય  તે સ્વાભાવિક  છે અને તેમનો રોષ આ  તોફાનોમાં વ્યક્ત થયો છે.

જો કે ફ્રાન્સમાં હજી ચૂંટણી પરિણામો પુરા સ્પષ્ટ થયા નથી. હજી મતદાનનો બીજો રાઉન્ડ બાકી છે જે આવતા રવિવારે યોજાશે. આગામી રવિવારે બીજા રાઉન્ડમાં લી પેનનો આરએન પક્ષ સંપૂર્ણ બહુમતિની આશા રાખે છે અને તેને બહુમતિ મળી જાય પછી વડાપ્રધાન ગેબ્રિયલ એટ્ટેલે રાજીનામુ આપવું પડશે. જો કે મેક્રોન મુદ્દત પુરી થતા સુધી ચાલુ રહી શકે છે પરંતુ તેઓ પોતાની મરજી પ્રમાણે નિર્ણયો નહીં લઇ શકે. બીજા વિશ્વ યુદ્ધ વખતે નાઝી જર્મનીના કબજા પછી પ્રથમ વખત ફ્રાન્સમાં અતિ જમણેરીવાદીઓ શાસન પર કબજો જમાવવા જઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સની ચૂંટણીમાં આ વખતે અતિજમણેરીવાદીઓ જીતશે એવા સંકેતો અગાઉથી જ મળી રહ્યા હતા અને પ્રથમ રાઉન્ડના પરિણામો તે મુજબ જ આવ્યા છે.

ફ્રાન્સમાં એક રાઉન્ડનું પરિણામ આવી ગયા બાદ બીજા રાઉન્ડનું મતદાન યોજી શકાય છે જે મતદાન આવતા રવિવારે થશે. અને  તેમાં પણ લી  પેનનો આરએન પક્ષ જ જીતે એવી શક્યતાઓ જોવાઇ રહી છે. ફ્રેન્ચ લોકો પોતાને વૈશ્વિકરણમાં બાજુએ ધકેલાઇ ગયા હોવાનું અનુભવી રહ્યા છે અને આથી અતિ જમણેરી રાષ્ટ્રવાદીઓ તરફ પ્રજાનો ઝોક ઢળ્યો હોય તેમ માનવામાં આવે છે. વળી, શરણાર્થીઓ જેવા મુદ્દે પ્રજાના કેટલાક વર્ગોનો રોષ પણ તેમને અતિજમણેરીવાદીઓની પસંદગી કરવા પ્રેરી ગયો છે. અને આ અતિજમણેરીવાદીઓની ફ્રાન્સમા આગેકૂચથી ઉદારમતવાદી છાવણીમાં ચિંતાની લહેર ફેલાઇ છે.

Most Popular

To Top