Gujarat

ત્રણ મહિનામાં ચોથી ધમકી, ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ મુક્યો હોવાનો ફરી મેઈલ આવ્યો

ગુજરાત હાઈકોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ ચોથી ઘટના બની છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

મળેલી માહિતી અનુસાર હાઈકોર્ટના રજિસ્ટ્રારને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જે અંગે તાત્કાલિક સોલા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી અને હાઈકોર્ટ પરિસરમાં તપાસ શરૂ કરી દીધી છે.

માત્ર ગુજરાત જ નહીં પરંતુ તાજેતરમાં દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને પણ આવી જ પ્રકારની ધમકી મળી હતી. હવે ગુજરાત હાઈકોર્ટને સતત ચોથી વાર ધમકી ભર્યો ઈમેલ મળતા ચિંતાની લાગણી વધી ગઈ છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા ઈમેલમાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.

સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ચકાસણી હાથ ધરી
રજિસ્ટ્રારની જાણ બાદ સોલા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી આખા હાઈકોર્ટ કેમ્પસની ચકાસણી કરી. હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ આવી ધમકીઓના કારણે પોલીસે સુરક્ષામાં વધુ કડકાઈ દાખવી છે.

ત્રણ મહિનામાં ચોથી ધમકી મળી
ગુજરાત હાઈકોર્ટને તા.3 જૂન, તા.9 જૂન અને તા.20 ઓગસ્ટે આવી જ પ્રકારની ધમકી મળી હતી. દરેક વખતે પોલીસ તપાસે ઇમેલને ખોટો ઠેરવ્યો હતો. પરંતુ સતત આવી ઘટનાઓ બનતા પોલીસે હવે સાયબર સેલને પણ તપાસમાં જોડ્યું છે. જેથી ઈમેલ ક્યાંથી મોકલાયો?, કોણે મોકલો? તેનો સ્રોતની જલ્દીથી જલ્દી તપાસ કરી શકાય.

અગાઉ સ્કૂલને પણ ધમકી મળી હતી
અગાઉ અમદાવાદની એક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ પોલીસ તપાસમાં કશું જ હાથ લાગ્યું ન હતું. આમ છતાં સુરક્ષાના દૃષ્ટિકોણે આવા કોઈ પણ પ્રકારની ધમકીઓને હળવાશથી લેવામાં આવી રહી નથી.

વારંવાર મળતી ધમકીઓથી હાઈકોર્ટ અને પોલીસ તંત્રને ચિંતાનો માહોલ ઘેરી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આવી ઘટનાઓથી બેદરકારી નહીં રાખવામાં આવે અને દરેક ધમકી પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top