શું દિલ્હી સહિત પંજાબનો બેલ્ટગમે ત્યારે કાળની ગર્તામાં ધકેલાઈ જશે? શું આ વિસ્તાર નહીં રહે? આવા પ્રશ્નો એટલા માટે પુછાવા માંડ્યા છે કે દિલ્હી તેમજ એનસીઆરમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. છેલ્લા સાત દિવસથી દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે અને તેનું કારણ એ છે કે થોડા દિવસો પહેલા તા.10મી જુલાઈના રોજ હરિયાણાના ઝજ્જરમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા દિલ્હી-એનસીઆરની સાથે સાથે નોઈડા, ગુરૂગ્રામ અને ફરિદાબાદમાં અનુભવાયા હતા. બાદમાં સતત બીજા દિવસે પણ 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેના આંચકા પણ અનુભવાયા બાદ. તા.17મી જુલાઈના રોજ હરિયાણાના જ રોહતકમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેના આંચકા પણ અનુભવાયા હતા.
છેલ્લા આઠ જ દિવસમાં આ વિસ્તારમાં આ ચોથો મોટા ભૂકંપનો આંચકો હતો. આ આંચકાઓની તીવ્રતા વધારે નહીં હોવાને કારણે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આ આંચકાઓ જાણે ચેતવણી જરૂર આપી રહ્યા છે. આમ પણ દિલ્હી-એનસીઆર અને તેની આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિસ્તારમાં ભૂકંપ આવવાના ત્રણ કારણો છે. જેમાં એક ઝજ્જર-રોહતકમાં મહેન્દ્રગઢ-દહેરાદૂન ફોલ્ટ લાઈનની સાથે સાથે દિલ્હી-હરિદ્વાર રિજ અને સોહના-મથુરા ફોલ્ટ જેવી તિરાડો આવી છે.
આ તિરાડ ધરતીની ટેકટોનિક પ્લેટ અથડાવાને કારણે બની રહી છે. બીજું કારણ એ છે કે ભારતની ટેકટોનિક પ્લેટ સતત યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. આ અથડામણને કારણે ભૂગર્ભમાં વિશાળ ઉર્જા જમા થાય છે અને જ્યારે આ ઉર્જા છુટી પડે છે ત્યારે ભૂકંપ આવે છે. ત્રીજું કારણ એ છે કે આ નાના ભૂકંપ ટેકટોનિક્સ પ્લેટામં તણાવના સંકેત પણ હોઈ શકે છે. જે ધીમેધીમે વધી રહ્યા છે. આ તણાવો જ્યારે ખૂબ વધે ત્યારે ભુકંપનો મોટો આંચકો આવે છે. વૈજ્ઞાનિકોના મતે આમ તો, દિલ્હી-એનસીઆરમાં કોઈ મોટો તાત્કાલિક ખતરો નથી.
પરંતુ તેની સામે સાવચેતી અને જાગૃતિ રાખવામાં આવે તે જરૂરી છે. ભૂકંપની સ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું નહીં કરવું તેની માહિતી રાખવી જરૂરી છે. ઝજ્જર અને રોહતકનો આ બેલ્ટ ભારે જોખમી છે. જે રીતે સતત આંચકાઓ આવ્યા છે તે ચેતવણી સમાન છે. ભૂકંપને સરકાર અટકાવી શકતી નથી. પરંતુ ભૂકંપના સમયમાં શું શું કરવું? તેનું માર્ગદર્શન સરકાર આપી શકે છે.
કેવા પ્રકારના બાંધકામો ભૂકંપ પ્રતિરોધક થઈ શકે તેની ગાઈડલાઈન બનાવીને તેનો અમલ કરાવી શકે છે. જાપાન કે ચીનની જેમ ભારતમાં વારંવાર ભૂકંપ આવતા નથી પરંતુ જે રીતે પૃથ્વીમાં બદલાવ આવી રહ્યો છે તે બતાવી રહ્યું છે કે ભારત માટે પણ ભૂકંપનો ખતરો મોટો છે. ભારતમાં વસતી અને બાંધકામો મોટા પ્રમાણમાં છે. આ સંજોગોમાં ગમે ત્યારે એવી મોટી હોનારત થઈ શકે છે કે જેને કારણે ભારત દાયકાઓ સુધી પાછળ ધકેલાઈ જાય. દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં આંચકા એક ચેતવણી સમાન છે ત્યારે સરકારે આ મામલે આગળ આવીને પગલાઓ લે તે જરૂરી છે.