National

ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું 93 વર્ષની વયે નિધન

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વરિષ્ઠ અને અનુભવી નેતા વિજય કુમાર મલ્હોત્રાનું 93 વર્ષની વયે આજ રોજ તા. 30 સપ્ટેમ્બરે અવસાન થયું છે. તેઓ દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને આજે સવારે લગભગ 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. વિજય કુમાર મલ્હોત્રા ભાજપના એવા નેતાઓમાં ગણાતા હતા જેમની ઓળખ દોષરહિત અને સ્વચ્છ છબી ધરાવતા રાજનેતા તરીકે થતી હતી.

જન્મ અને પ્રારંભિક જીવન
વિજય કુમાર મલ્હોત્રાનો જન્મ તા.3 ડિસેમ્બર 1931ના રોજ લાહોરમાં થયો હતો. જે તે સમયના પંજાબ પ્રાંતનો ભાગ હતો. બાળપણથી જ તેઓ સમાજસેવા અને રાજકારણ પ્રત્યે આકર્ષિત રહ્યા હતા.

લાંબી રાજકીય સફર
વિજય કુમાર મલ્હોત્રા પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહ્યા હતા. 2008ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 1999ની લોકસભા ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસના નેતા અને વડાપ્રધાન ડો. મનમોહન સિંહને લગભગ 30 હજાર મતોથી હરાવ્યા હતા. આ જીતે તેમની લોકપ્રિયતા વધુ મજબૂત બનાવી હતી.

જનસંઘથી ભાજપ સુધીનો સફર
વિજય કુમાર મલ્હોત્રાએ રાજકારણની શરૂઆત જનસંઘના યુગમાં કરી હતી અને અટલ બિહારી વાજપેયી તથા લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ સાથે કામ કર્યું હતું. કેદાર નાથ સાહની અને મદન લાલ ખુરાનાની સાથે મળીને મલ્હોત્રાએ દિલ્હીમાં ભાજપની મજબૂત પાયા રચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સંગઠનના મુખ્ય પદ પર જવાબદારી
વિજય કુમાર મલ્હોત્રા 1972થી 1975 સુધી દિલ્હી પ્રદેશ જનસંઘના પ્રમુખ રહ્યા હતા. બાદમાં તેઓ બે વખત 1977થી 1980 અને 1980થી 1984 દરમિયાન ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે 1967માં ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તરીકે પણ સેવા આપી હતી. 2004ની લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીમાંથી જીતનાર એકમાત્ર ભાજપના ઉમેદવાર હતા.

વિજય કુમાર મલ્હોત્રાના અવસાનથી ભાજપે એક અનુભવી નેતા ગુમાવ્યો છે. જેમણે પોતાના દાયકા લાંબા રાજકીય જીવનમાં દળ અને દેશ બંને માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Most Popular

To Top