National

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડીની તારીખ લંબાઈ

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસીમાં (Delhi Liquor Policy) થયેલા કથિત કૌભાંડમાં આજે બુધવારે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) રાઉઝ એવન્યુ કોર્ટમાં (Rouse Avenue Court) વીડિયો કોન્ફરન્સના (Video conference) માધ્યમથી હાજર થયા હતા. ત્યારે સુનાવણી દરમિયાન કોર્ટે સિસોદિયા અને આ જ કેસના અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 30 મે સુધી લંબાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ને આરોપી બનાવશે. મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતા EDએ આ વાત કહી હતી.

EDના વકીલે જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા સમક્ષ કહ્યું હતું કે, આ કેસમાં દાખલ થનારી આગળની કાર્યવાહીની ફરિયાદ (ચાર્જશીટ)માં સિસોદિયાને સહ-આરોપી બનાવવામાં આવશે. હાઈકોર્ટ અનુક્રમે ED અને CBI દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસોમાં સિસોદિયાની જામીન અરજીઓ પર દલીલો સાંભળી રહી હતી.

દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. AAPના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની એક અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ આવતો નથી. તાજેતરમાં, હાઈકોર્ટે આ કેસમાં કેજરીવાલની ધરપકડને સમર્થન આપતાં જણાવ્યું હતું કે એન્ટિ-મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 70, જે કંપનીઓને લગતી છે, તે આ કેસમાં પણ લાગુ થાય છે.

EDએ AAPની સરખામણી કંપની સાથે અને કેજરીવાલની સરખામણી તેના ડિરેક્ટર સાથે કરી હતી. EDના વકીલે કહ્યું કે આરોપીઓ દ્વારા કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ED દ્વારા આપવામાં આવેલી દલીલોને સ્વીકારીને CBIએ ભ્રષ્ટાચારના કેસમાં AAP નેતાની જામીન અરજીનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે વિલંબ માટે માત્ર આરોપીઓ જ જવાબદાર છે.

જામીનની વિનંતી કરતી વખતે સિસોદિયાના વકીલે કોર્ટને કહ્યું હતું કે ED અને CBI હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના મામલામાં લોકોની ધરપકડ કરી રહ્યા છે અને ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થવાનો કોઈ પ્રશ્ન નથી. સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મોહિત માથુરે જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના જજે જામીન અરજી ફગાવી દીધા બાદ AAP નેતાએ કઇ રીતે કાર્યવાહીમાં વિલંબ કર્યો હતો તેની ચોખવટ કરી ન હતી.

Most Popular

To Top