રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આજે 10 ડિસેમ્બર 2025ના રોજ મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી કમિશન (GERC)ના નવા ચેરપર્સન તરીકે પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીની નિમણૂંક કરી છે.
મળતી માહિતી મુજબ સરકાર દ્વારા અગાઉ એક સિલેક્શન કમિટી રચવામાં આવી હતી. જેનો હેતુ ચેરપર્સનની નિમણૂક માટે લાયકાત ધરાવતા નામોની ભલામણ કરવો હતો. કમિટીએ બે યોગ્ય ઉમેદવારોના નામોની પેનલ રાજ્ય સરકારને મોકલી હતી. જેની સમીક્ષા બાદ અંતે પંકજ જોશીનું નામ પસંદ કરવામાં આવ્યું છે.
નોટિફિકેશન મુજબ આ નિમણૂક ઇલેક્ટ્રિસિટી એક્ટ–2003 અને ગુજરાત ઇલેક્ટ્રિસિટી ઇન્ડસ્ટ્રી (રીઓર્ગેનાઈઝેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ–2003ની જોગવાઈઓ મુજબ કરવામાં આવી છે.
પંકજ જોશી ગુજરાત સરકારમાં મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે અને વહીવટી ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે. તેમની નિમણૂક બાદ રાજ્યની પાવર સેક્ટર પોલિસી, વિજ દરોમાં સુધારા, વિજ પુરવઠાની ગુણવત્તા અને ઉદ્યોગોને મળતી સુવિધાઓમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધવાની આશા વ્યક્ત થઈ રહી છે.
ઉર્જા વિભાગના સંયુક્ત સચિવ દ્વારા હસ્તાક્ષરિત આ નોટિસ રાજ્ય સરકારની તરફથી બહાર પાડવામાં આવી છે.
આ નિમણૂક સાથે GERCને અનુભવી અને પ્રશાસનિક રીતે મજબૂત નેતૃત્વ મળ્યું છે. જે આગામી સમયમાં રાજ્યના વીજ ક્ષેત્રને નવી દિશા આપશે તેવી અપેક્ષા છે.