Gujarat

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર બે કલાક કોંગ્રેસમાં ‘આંટો’ મારી આવ્યા

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાવનગર શહેરના રાજકીય વર્તુળોમાં આજે એક અજીબોગરીબ ઘટના બની હતી, જેમાં વોર્ડ નંબર-3ના મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલે માત્ર બે કલાકના ગાળામાં જ પક્ષપલટો કરીને ફરી ભાજપમાં વાપસી કરતા ચકચાર મચી ગઈ છે. આજે બપોરે સેજલબેન ગોહિલે અચાનક ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમના પક્ષ પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં સેજલબેને ભાજપમાં પોતે અસુરક્ષિત હોવાનો ગંભીર આક્ષેપ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. જોકે, આ આશ્ચર્યજનક નિર્ણય લાંબો સમય ટક્યો નહીં અને માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં સેજલબેન ગોહિલે ફરી પલટી મારી ભાજપમાં ઘરવાપસી કરી લીધી હતી.

પક્ષમાં પરત ફર્યા બાદ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “મને કોઈએ ભટકાવ્યા હતા, પરંતુ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, તેથી હું ફરી મારા મૂળ પક્ષ ભાજપમાં પરત ફરી છું.” આ સમગ્ર ઘટનાએ શહેરના રાજકીય માહોલને ગરમાવી દીધો છે. બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, સેજલબેનને કોંગ્રેસમાં લાવવા માટે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપવામાં આવ્યું નહતું. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપમાં અસુરક્ષિતતા અનુભવીને જ સેજલબેને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. માત્ર બે કલાકમાં થયેલા આ પક્ષપલટાએ ભાવનગરના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે ૧૨૦ મિનિટમાં ખેલાયેલા આ રાજકીય ખેલને કારણે ભાવનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પૂર્વે આ પ્રકારે થયેલા પક્ષપલટા અને ત્વરિત ઘરવાપસીએ મતદારોમાં અને કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે, જેની અસર આગામી મતદાન પર કેવી પડશે તે જોવું રસપ્રદ રહેશે.

Most Popular

To Top