National

નરેન્દ્ર મોદીના શપથ સમારોહ માટે મહેમાનોના આમંત્રણથી લઇ સુરક્ષા સુધી આ તૈયારીઓ કરાઇ, જાણો તમામ અપડેટ

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતી કાલે 9 જૂનના રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચવા જઇ રહ્યા છે, ત્યારે શપથગ્રહણ સમારોહમાં (Oath-taking ceremony) સામાન્યથી લઇ ખાસ મહેમાનોનું (Guests) પ્રતિનિધિત્વ પણ જોવા મળશે. મોદીના સમારોહમાં એવા લોકો પણ જોવા મળશે કે જેઓ ભલે ઉચ્ચ હોદ્દા પર ન હોય પરંતુ દેશની સેવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હોય.

લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 જૂને સાંજે 07:15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોને હોદ્દા અને ગોપનીયના શપથ લેવડાવશે. તેમજ જ્યારે પીએમ મોદી સતત ત્રીજી વખત ઐતિહાસિક શપથ લેવાના છે ત્યારે તેમના આ સપથગ્રહણ સમારોહમાં ખાસ મહેમાનોને બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ સુરક્ષાનું પણ મોટા પાયે ધ્યાન રખાઇ રહ્યું છે.

નેરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહના મહેમાનો
વડાપ્રધાનના સપથગ્રહણ સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગનાથ સહિતના વિદેશી નેતાઓને આમંત્રિત કરાયા છે.

આ સાથે જ શપથગ્રહણ સમારોહમાં માત્ર ખાસ લોકો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ભાગ લઈ રહ્યા છે. જેમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (નવી સંસદ ભવન)માં કામ કરતા કામદારોને પણ બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલવે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો, જાહેર આરોગ્ય સાથે જોડાયેલા લોકો, સ્વચ્છતા કાર્યકરો અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને પણ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં વિશેષત: રાજધાની રાંચીના હટિયા રેલ્વે ડિવિઝનમાં કાર્યરત લોકો પાયલોટ એએસપી કીર્તિને આમંત્રણ આપવામાં આવ્યું છે, કે જેઓ પ્રથમ મહિલા લોકો પાયલોટ છે.

વડાપ્રધાનના શપથગ્રહણમાં ખાસ કરીને વિવિધ ધર્મોના લગભગ 50 પ્રતિષ્ઠિત ધાર્મિક નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ મન કી બાતના મોદી દ્વારા તેમના યોગદાન માટે સન્માનિત કરાયેલા સહભાગીઓ પણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સાથે જ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર વિજેતાઓ પણ સમારોહમાં હાજર રહેશે.

સુરક્ષા વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે આ સમારોહમાં સુરક્ષા એક મહત્વની ભુમિકા ભજવે છે. જેના માટે દિલ્હી પોલીસે 9 જૂને કેન્દ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન દિલ્હીના અધિકારક્ષેત્રમાં પેરાગ્લાઈડર, પેરા-મોટર્સ, હેંગ ગ્લાઈડર, UAV, UAS, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ જેવા પેટા-પરંપરાગત એરિયલ પ્લેટફોર્મના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ આ મામલે જણઅવ્યું હતું કે આ આદેશ 9 જૂનથી અમલમાં આવશે અને 2 દિવસ સુધી અમલમાં રહેશે. આ સાથે જ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે, 8, 15 અને 22 જૂન, 2024 ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે કોઈ ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ થશે નહીં.

ત્રણ સ્તરીય સુરક્ષા અમલમાં રહેશે
શપથ ગ્રહણ સમારોહ માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. જેમાં આંતરિક પરિમિતિ એટલે કે રાષ્ટ્રપતિ ભવન અને કર્તવ્ય પથની આસપાસનો ઉચ્ચ સુરક્ષા વિસ્તાર કે જ્યાં સમારોહ યોજાશે, બાહ્ય પરિમિતિ એટલે કે હોટલોની આસપાસ સુરક્ષાનું બીજું સ્તર ગોઠવાશે. કે જ્યાં વિદેશી વડાઓ અને મહાનુભાવો રોકાશે, જેમાં મુખ્યત્વે તાજ, મૌર્ય, લીલા અને ઓબેરોય હોટલનો સમાવેશ થાય છે. આ સાથે જ સૌથી બહારની પરિમિતિ એટલે કે મધ્ય દિલ્હીની આસપાસ સુરક્ષાનું ત્રીજું સ્તર ગોઠવવામાં આવશે. જેમાં જમીનથી આકાશ સુધીની દેખરેખ અને વ્યાપક સુરક્ષા કવચનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનની સુરક્ષા માટે આ પગલાઓ લેવાશે:

  • ગુપ્ત માહિતી: ગુપ્તચર એજન્સીઓ સંભવિત સુરક્ષા જોખમો વિશે માહિતી એકત્ર કરવા અને દરેક વિદેશી નેતા માટે વ્યક્તિગત જોખમને ટાળવા માટે વિદેશી એજન્સીઓ સાથે સંપર્ક કરી રહી છે.
  • વાહન ચેકિંગઃ કોઈપણ અનધિકૃત વાહનોને સુરક્ષા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
  • લેસર બીમ પર પ્રતિબંધ: ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (DEL) અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની નજીક ડ્રોન અને લેસર બીમ પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
  • સુરક્ષા કર્મચારીઓ તૈનાતઃ શપથ સમારોહ દરમિયાન વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા સંબંધિત કોઈપણ ઘટનાનો સામનો કરવા માટે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે.
  • હોટલ કર્મચારીઓના બેકગ્રાઉન્ડની તપાસ: હોટલના કર્મચારીઓ વિશ્વાસપાત્ર છે અને સુરક્ષા માટે ખતરો નથી તેની ખાતરી કરવા માટે તેમના બેકગ્રાઉન્ડની તપાસ કરાઇ રહી છે.
  • કંટ્રોલ રૂમઃ સુરક્ષા કર્મચારીઓ માટે પરિસ્થિતિ પર નજર રાખવા અને સુરક્ષા સંબંધિત કોઈપણ ખતરાનો સામનો કરવા માટે અલગ કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યા છે.
  • રાજ્યની સરહદો સીલ: કોઈપણ અનધિકૃત પ્રવેશને રોકવા માટે સમારોહ દરમિયાન રાજ્યની સરહદો સીલ કરવામાં આવશે.
  • સુરક્ષા વધારવામાં આવી: આગામી સપ્તાહોમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (DEL) પર સુરક્ષાઓ વધારવામાં આવશે, જેમાં ઓપરેશનલ જરૂરિયાતોને આધારે પ્રતિબંધો વધે તેની શક્યતા છે.

Most Popular

To Top