Gujarat

દેશમાં પહેલીવાર સોમનાથમાં 3000 ડ્રોનનો શો

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે. 11મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી તા.11મી જાન્યુઆરીએ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા પણ કરવાના છે, તેઓ 10મી જાન્યુઆરીની રાત્રે ગુજરાત આવશે.સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.પીએમ મોદી અમદાવાદની પણ મુલાકાત લેનાર છે, જેના પગલે અમદાવાદમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેઓ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સોમનાથ , ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. દરમિયાન વડાપ્રધાન મોદી મેટ્રોનું ઉદ્ધાટન કરીને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી પણ આપશે.

PM મોદી અમદાવાદથી ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન સુધી . આ માટે ગાંધીનગર મેટ્રો સ્ટેશનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મેટ્રો સેવાઓની તમામ કામગીરી પૂર્ણ થઈ રહી છે. મેટ્રો અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર ખાતેથી કાર્યરત થશે. 1મી જાન્યુઆરીએ રાજકોટમાં રિઝનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. જે બાદ એજ દિવસે તેઓ સાંજે અમદાવાદ આવશે અને 12 તારીખે જર્મનીના વાઇસ ચાલ્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત પણ કરવાના છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. જે દરમિયાન ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને આંટી અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત લેશે. સાબરમતી આશ્રમમાં અંદાજે 20 મિનિટ સુધી મુલાકાત કરવાના છે. તેમજ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ હાજરી આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’ના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ભવ્ય રોડશો અને શોર્યયાત્રાનું આયોજન બાદ જનસભા

આજે ગાંધીગનરમાં કેબીનેટ પ્રવકત્તા અને સીનીયર મંત્રી જીતુ વાઘાણીએ કહયું હતું કે પીએમ નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦મી જાન્યુઆરીએ સાંજે ૫:૩૦ કલાકે સોમનાથ પધારશે. વડાપ્રધાન તા. ૧૧ જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.

આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં ૩૦૦૦ ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૦૮ અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.

૨,૫૦૦ ઋષિકુમારો ૭૨ કલાકનો અખંડ ઓમકાર જાપ કરશે

સોમનાથ મંદિરના પ્રાંગણમાં ૨,૫૦૦ ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને ૭૨ કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ ૧,૦૦૦ કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં ૨૦ જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે.

સુરત, અમદાવાદ અને વડોદરાથી સ્પેશિયલ ટ્રેન

શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

Most Popular

To Top