ગાંધીનગર: ગુજરાતના વહીવટી તંત્રમાં ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો પરચો આપતા વન વિભાગમાં અભૂતપૂર્વ સાફસૂફી કરી નાખી છે. હાલમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં છે, છતાંયે રાજય ચૂંટણી આયોગની મંજૂરી લઈને આ બદલીઓ કરી દેવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને મનસ્વી રીતે ‘કાર્ટેલ’ રચીને 350 કરતાં વધુ આરએફઓની બદલીઓનો ખેલ પાડનારા ઉચ્ચ અધિકારીઓ સામે મુખ્યમંત્રીએ શિસ્તનો એવો કોરડો વીંઝ્યો છે કે સમગ્ર સચિવાલયના સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના છે જ્યાં વન દળના વડા (HoFF) કક્ષાના અધિકારીની પણ ચાલુ ફરજે હકાલપટ્ટી કરવામાં આવી હોય.
ગાંધીનગરમાં સ્થિત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વરિષ્ઠ ભારતીય વન સેવા (IFoS) અધિકારીઓમાં મોટા પાયે બદલી અને વધારાના ચાર્જ અંગેનો મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ફેરફારો રાજ્યમાં વન વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા અને નેતૃત્વ મજબૂત કરવા માટે કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને પ્રથમ વખત રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને આ મહત્ત્વપૂર્ણ પદ પરથી બદલી કરવામાં આવી છે. આ ઘટનાક્રમ અત્યારે ગાંધીનગર સચિવાલયમાં સૌથી વધુ ચર્ચાતો વિષય બન્યો છે.
૩૫૦ RFOની બદલીઓમાં ‘અજુગતું’ થતાં CM એક્શન મોડમાં
સચિવાલયના આંતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં વન વિભાગમાં ૩૫૦ જેટલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની બદલીઓ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પારદર્શકતાના નામે મિલીભગત કરી, સરકારને અંધારામાં રાખીને પોતાની મનસ્વી રીતે ‘કાર્ટેલ’ રચી હોવાની ગંધ સરકાર સુધી પહોંચી હતી. વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને વન સચિવ ડો. વિનોદ રાવ સાથે પરામર્શ કર્યા બાદ મુખ્યમંત્રીએ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું.
આ ટોચના અધિકારીઓની સામૂહિક બદલી
મુખ્યમંત્રીના આ સપાટામાં વિભાગના વડાથી લઈને એમડી (MD) સ્તરના અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે:
HoFF ની હકાલપટ્ટી: અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વન દળના વડા (HoFF) ડો. અનિરુદ્ધ પ્રતાપ સિંહ (IFS 1990) ને ગાંધીનગરથી હટાવી વડોદરા વન વિકાસ નિગમના MD બનાવી દેવાયા છે.
નવા હવાલા: ડો. જયપાલ સિંહ (IFS 1991) ને ઇન્ચાર્જ વન દળના વડા (HoFF) તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે.
અન્ય ફેરબદલ: વડોદરા સર્કલના સીસીએફ (CCF) ડો. સંદીપ કુમારને ગાંધીનગર વર્કિંગ પ્લાનમાં મોકલાયા છે, જ્યારે વડોદરા નિગમમાંથી ડો. અંશુમન શર્મા ને ગાંધીનગર CCF (D & M) તરીકે બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત નિશા રાજ અને સાદિક મુજાવર જેવા અધિકારીઓની જવાબદારીઓમાં પણ મોટા ફેરફાર કરાયા છે, સચિવાલયમાં વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીને બદલીને તેમને ભાવનગરમાં ડે.કંન્ટ્રોલર સિવિલ ડિફેન્સમાં મૂકવામાં આવ્યા છે. સચિવાલયના વન વિભાગના ઉપ સચિવ હિમાશું ગોહિલને બદલીને ઉપ સચિવ સરાકરી વકીલની કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે.