Editorial

વડાપ્રધાન મોદી માટે તેમની લોકપ્રિયતામાં એક જ વર્ષમાં થયેલો ઘટાડો લાલબત્તી સમાન

કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોને હેરાન કરી ગઈ તેવી જ રીતે હવે રાજકારણીઓને પણ મુશ્કેલીમાં મુકી રહી છે. નેતાઓએ લોકોને જવાબ આપવા ભારે પડી રહ્યાં છે. જે નેતાઓ શાસનમાં છે તેમને લોકો દ્વારા પુછાતા પ્રશ્નોના તેઓ જવાબ આપી શકતા નથી. કોરોનાએ શાસનમાં રહેલા અનેક નેતાઓની લોકપ્રિયતા ઘટાડી દીધી છે તો સામે જે વિપક્ષમાં છે તેવા નેતાઓની લોકપ્રિયતા વધારી પણ છે. હાલમાં એક ખાનગી મેગેઝિન જુથ દ્વારા તાજેતરમાં 115 સંસદીય વિસ્તારો અને 2030 જેટલા વિધાનસભા વિસ્તારોમાં સરવે કરવામાં આવ્યો તો એવી હકીકત સામે આવી હતી કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થઈ ગયો છે. એક વર્ષ પહેલા મોદીની લોકપ્રિયતા જ્યાં 66 ટકા હતી ત્યાં તેની લોકપ્રિયતા ઘટીને 24 ટકા થઈ ગઈ છે. ઓગષ્ટ, 2021માં કરવામાં આવેલા આ સરવેમાં લોકોને એવું પુછવામાં આવ્યું હતું કે ભારત માટે હવે પછીના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ હોવા જોઈએ? માત્ર 24 ટકા લોકોએ પોતાનો જવાબ નરેન્દ્ર મોદી તરીકે આપ્યો હતો.

અગાઉ જાન્યુઆરી માસમાં આ સરવે થયો હતો ત્યારે 38 ટકા લોકોએ મોદીનું નામ આપ્યું હતું. જ્યારે એક વર્ષ પહેલા ઓગષ્ટ, 2020માં થયેલા સરવેમાં 66 ટકા લોકોએ પોતાની પહેલી પસંદગી નરેન્દ્ર મોદીની ગણાવી હતી. એક તરફ જ્યાં મોદીની લોકપ્રિયતા ઘટી છે ત્યાં ભાજપના જ બે નેતા યોગી આદિત્યનાથ અને અમિત શાહની લોકપ્રિયતામાં મોટો વધારો પણ થયો છે. ઓગષ્ટ, 2020માં જ્યારે સરવે થયો ત્યારે યોગી આદિત્યનાથને માત્ર 3 ટકા લોકોએ જ સારા પીએમ બની શકે તેમ જણાવ્યું હતું. જ્યારે જાન્યુઆરી માસમાં આ આંકડો વધીને 10 ટકા હતો. પરંતુ ઓગષ્ટ, 2021માં યોગી આદિત્યનાથને પસંદ કરતાં લોકોની સંખ્યા 11 ટકા થઈ હતી. સરવે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે ઓગષ્ટ, 2020માં 4 ટકા લોકો જ સારા પીએમ તરીકે ગણતાં હતા. જ્યારે જાન્યુઆરી, 2021માં આ આંકડો વધીને 7 ટકા થયો હતો. હવે ઓગષ્ટ, 2021માં અમિત શાહને 8 ટકા લોકો સારા પીએમ તરીકે ગણી રહ્યાં છે.

ભાજપના જ અમિત શાહ તેમજ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા વધી તેવી જ રીતે વિપક્ષી નેતાઓની લોકપ્રિયતા પણ વધી છે. મોદીની ઘટેલી લોકપ્રિયતા સામે વિપક્ષી નેતામાં સૌથી મોખરે રાહુલ ગાંધીને ઓગષ્ટ, 2020માં માત્ર 7 ટકા લોકો જ સારા પીએમ તરીકે પસંદ કરતાં હતા. જાન્યુઆરી, 2021માં આ આંકડો વધીને 8 ટકા પર પહોંચ્યો હતો અને હવે ઓગષ્ટ, 2021માં 10 ટકા લોકો રાહુલ ગાંધી સારા પીએમ બની શકે છે તેમ માની રહ્યા છે. અરવિંદ કેજરીવાલને પણ જ્યાં ગત વર્ષે ઓગષ્ટમાં માત્ર 2 ટકા લોકો સારા પીએમ તરીકે માની રહ્યાં હતા. ત્યાં આ વર્ષે ઓગષ્ટમાં તેમાં વધારો થઈને 8 ટકા થયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ ગત વર્ષે ઓગષ્ટમાં 2 ટકા લોકો જ સારા પીએમ તરીકે ગણતા હતાં પરંતુ હવે તેમાં વધારો થઈને આ વર્ષે 8 ટકા થઈ ગયો છે. રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. પ્રિયંકાને ગત વર્ષે 2 ટકા લોકો પીએમ તરીકે પસંદ કરતાં હતા. તે આ વર્ષે વધીને 4 ટકા થયો છે.

લોકપ્રિયતામાં ઘટાડો થવા છતાં પણ નરેન્દ્ર મોદી સારા પીએમ તરીકે હાલમાં પણ સૌથી આગળ છે. મોદીની લોકપ્રિયતા ઘટવા પાછળ કોરોનાની બીજી લહેરની સાથે સાથે બેરોજગારી, વેપારોમાં મંદીથી માંડીને મોંઘવારી સહિતના અનેક કારણો પણ જવાબદાર છે. લોકોને રોજગારીની તકો ઘટી છે. લોકોની કમાણી પણ ઘટી છે. ફુગાવાને કારણે બેંકોનું વ્યાજ પણ ઘટ્યું છે. ઘટેલી લોકપ્રિયતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લાલબત્તી સમાન છે. જે રીતે કોરોનાએ લોકોની કમર તોડી નાખી છે તે ભવિષ્યમાં શાસકો માટે જોખમકારક પુરવાર થઈ શકે છે. લોકસભાની ચૂંટણીને હજુ ત્રણ વર્ષની વાર છે. મોદી પાસે હજુ સમય છે. અત્યારથી મોદી લોકપ્રિય પગલાઓ લેશે તો પોતાની લોકપ્રિયતા વધારી શકશે. અન્યથા આગામી ચૂંટણી તેમના માટે ઘાતક પુરવાર થાય તે નક્કી છે.

Most Popular

To Top