જામનગર: રાજ્યના વિવિધ શહેરોમાં ફાસ્ટફૂડમાંથી (Fast Food) વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે જામનગરમાં (Jamnagar) જાણીતી પિઝા બ્રાન્ડ ડોમિનોઝના પિત્ઝામાંથી (Domino’s Pizza) માખી (Fly) નીકળવાની ઘટના સામે આવી છે. જામનગરમાં ગ્રાહકે ઓર્ડર (Order) કરેલા પિત્ઝામાંથી માખી (Fly) નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો (Video) બનાવી વાઇરલ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નાગનાથ ગેટ પાસે રહેતા કપિલ સોઢા નામના યુવકે પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. એક પિત્ઝામાંથી માખી નીકળી હતી. ત્યાર બાદ યુવકે રાત્રે જ ડોમિનોઝ પિત્ઝાનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈપણ જવાબ ન મળતાં આખરે યુવાને સવારે મહાનગરપાલિકાની ફૂડ શાખામાં સંપર્ક કરી ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે ફરિયાદ મળતાં જ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ડોમિનોઝ પિત્ઝામાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ તપાસ બાદ બાદ મનપાની ટીમે ડોમિનોઝ શાખાને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો.
જામનગરમાં અગાઉ પણ એક બ્રાન્ડેડ કંપનીના પિત્ઝામાંથી વંદો નિકળ્યો હતો. જેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે ડોમિનોઝ પિત્ઝામાંથી માખી નિકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તેમ જણાઇ આવે છે. પિત્ઝા ઓર્ડર કરનાર કપિલ સોઢાએ જણાવ્યું હતું કે અમે ડોમિનોઝમાંથી ચાર પિત્ઝા ઓર્ડર કર્યા હતાં. તેમજ જ્યારે અમે જમાવા બેઠા ત્યારે આ પિત્ઝામાંથી માખી નિકળી હતી. ત્યાર બાદ તરત જ અમે ડોમિનોઝને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમારો કોલ કોઇએ ઉપાડ્યો ન હતો. આ કારણે રાત્રે જ અમે ડોમિનોઝના ફિડબેકમાં ફરિયાદ કરી હતી. પરંતુ હમણાં સુધી તેનો પણ કોઇ રિસ્પોન્સ મળ્યો નથી. ત્યાર બાદ અંતે અમે મહાનગર પાલિકાના ફૂડ વિભાગને સંપર્ક કરી તપાસની માંગણી કરી હતી.
સમગ્ર મામલે ફૂડ વિભાગના અધિકારી DB પરમારે જણાવ્યું હતું કે ડોમિનોઝ પિત્ઝામાંથી માખી નીકળી હોવાની ફરિયાદ મળતા જ જામનગર મહાનગર પાલિકાની ટીમ ઘટના સ્થળે તપાસ કરવા પહોંચી હતી. ત્યારે સમગ્ર તપાસ બાદ કહી શકાય છે કે પેકિંગ અથવા ડિલેવરી સમયે આ ચુક થઇ હશે. આ કારણે 10,000નો ડંડ ફટકારાયા બાદ આ ફ્રેન્ચાઇઝીને ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ન થાય તેની કાળજી રાખવાની સૂચના અપાઇ છે.