સુરત: એરલાઈન્સ કંપનીઓએ ફ્લેક્સી ભાડાના નામે દિવાળીના સમયમાં પેસેન્જરો પાસેથી સામાન્ય દિવસોની તુલનામાં અઢીથી ત્રણ ભાડાં વસૂલી રહી છે. આગામી દિવસોમાં સંભવત: હજી ભાડાં વધી શકે એમ છે. તેમાં પણ સુરત(Surat)ની વાત કરીએ તો લોકો પાસે વધુ વિકલ્પો ન હોવાના કારણે વધુ ભાડું ચૂકવીને પણ ટિકિટો બુક કરાવી રહ્યા છે. કોલકાતા અને ચેન્નાઈનાં ભાડાં અમુક દિવસોમાં 20થી 25 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. જે શહેરો વચ્ચે ફ્રિક્વન્ટલી વિમાની(plane) સેવા ચાલે છે ત્યાં દિવાળીના સમયમાં પણ એટલું જ ભાડું(rent) છે, જેટલું સામાન્ય દિવસોમાં હોય છે.
- દિવાળી અને ત્યાર બાદના ત્રણેય દિવસમાં વિમાનનાં ભાડાં વધ્યાં
- સામાન્ય દિવસોમાં 4થી 5 હજાર રહેતું ભાડું 14થી 24 હજાર રૂપિયા સુધી પહોંચ્યું
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસોમાં સુરતથી દિલ્હીનું ભાડું 5થી 6 હજારની વચ્ચે હોય છે. દિવાળીના સમયમાં 22 ઓક્ટોબરે 13223 રૂપિયા, 23 ઓક્ટોબરે 13512 રૂપિયા અને 25 ઓક્ટોબરે 13223 રૂપિયા છે. સુરતથી ચેન્નાઈનું ભાડું સામાન્ય દિવસોમાં 4500થી 5000 રૂપિયા વચ્ચે હોય છે. દિવાળીમાં 22 ઓક્ટોબરે 13393 રૂપિયા, 25 ઓક્ટોબરે 20783 રૂપિયા છે. સુરતથી બેંગ્લુરુનું ભાડું સામાન્ય દિવસોમાં 6000થી 7000 રૂપિયા હોય છે. દિવાળીમાં 22 ઓક્ટોબરે 14326 રૂપિયા, 25 ઓક્ટોબરે 16002 રૂપિયા અને 26 ઓક્ટોબરે 16021 રૂપિયા છે. સુરતથી હૈદરાબાદનું ભાડું સામાન્ય દિવસોમાં 5000થી 5500 રૂપિયા હોય છે. દિવાળીમાં 22 ઓક્ટોબરે 7796 રૂપિયા, 25 ઓક્ટોબરે 12652 રૂપિયા, 26 ઓક્ટોબરે 17212 રૂપિયા અને 27 ઓક્ટોબરે 16373 રૂપિયા છે. સુરતથી કોલકાતાનું ભાડું સામાન્ય દિવસોમાં 8000થી 9000 રૂપિયા હોય છે. દિવાળીમાં 21 ઓક્ટોબરે 25088 રૂપિયા, 22 ઓક્ટોબરે 18998 રૂપિયા, 23 ઓક્ટોબરે 22180 રૂપિયા, 24 ઓક્ટોબરે 17003 રૂપિયા, 25 ઓક્ટોબરે 11438 રૂપિયા છે. જયપુરનું ભાડું સામાન્ય દિવસોમાં 5000 રૂપિયાની આસપાસ હોય છે. દિવાળીમાં 21 ઓક્ટોબરે 13747 રૂપિયા, 22 ઓક્ટોબરે 12383 રૂપિયા, 26 ઓક્ટોબરે 12383 રૂપિયા છે. ગોવાનું ભાડું સામાન્ય દિવસોમાં 5000 રૂપિયાની આસપાસ હોય છે. દિવાળીમાં 22 ઓક્ટોબરે 10178 રૂપિયા, 26 ઓક્ટોબરે 12383 રૂપિયા, 27 ઓક્ટોબરે 10283 રૂપિયા છે. અજમેરનું ભાડું સામાન્ય દિવસોમાં 3500 રૂપિયાની આસપાસ હોય છે. દિવાળીમાં 21 ઓક્ટોબરના રોજ 10988 રૂપિયા, 26 ઓક્ટોબરના રોજ 16188 રૂપિયા છે. ટ્રાવેલ એજન્ટ મનીષભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લી ઘડીએ ભાડું વધી અથવા ઘટી પણ શકે છે.
મુંબઈથી અન્ય શહેરો વચ્ચે દિવાળીમાં પણ સામાન્ય દિવસો જેટલું જ વિમાનનું ભાડું
સુરતથી વધુ વિકલ્પો ન હોવાથી એરલાઈન્સ કંપનીઓમાં તેનો ગેરલાભ લઈ સુરતના પેસેન્જર્સ પાસેથી અઢીથી ત્રણગણો વધુ ભાવ વસૂલે છે. મુંબઈથી અન્ય શહેરો વચ્ચે સામાન્ય દિવસોમાં જેટલું ભાડું છે, એટલું જ ભાડું દિવાળીની સિઝનમાં પણ છે. મુંબઈથી દિલ્હી વચ્ચે 4000 રૂપિયાથી 5000 રૂપિયા છે. દિવાળીમાં 6 હજાર રૂપિયાથી 7 હજાર રૂપિયા છે. મુંબઈથી ચેન્નાઈનું ભાડુ 3400થી 4000 રૂપિયા છે. મુંબઈ-બેંગ્લુરુનું ભાડું 3615થી 4500 રૂપિયા, મુંબઈ-હૈદરાબાદનું ભાડું 5103 રૂપિયા, મુંબઈથી ગોવાનું ભાડું સામાન્ય દિવસોમાં 3000થી 3500 રૂપિયા છે અને દિવાળીમાં 4258થી 5900 રૂપિયા છે.