World

ગાઝા હુમલામાં અલ જઝીરાના પાંચ પત્રકારોના મોત, ઇઝરાયલે હમાસ સાથે સંબંધનો આરોપ લગાવ્યો

ગાઝા શહેરમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં અલ જઝીરાના પત્રકાર અનસ અલ-શરીફ સહિત પાંચ પત્રકારોના મોત થયા છે. ઇઝરાયલી સેનાનો દાવો છે કે અનસ હમાસના એક મહત્વપૂર્ણ કમાન્ડર હતા અને તેઓ ઇઝરાયલી નાગરિકો તથા સૈનિકો પર રોકેટ હુમલાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, અલ જઝીરા અને પેલેસ્ટિનિયન પત્રકાર સંગઠનોએ આ દાવાને નકારી કાઢ્યો છે અને તેને બિનઆધારભૂત ગણાવ્યો છે.

ઘટના ત્યારે બની જ્યારે અનસ અલ-શરીફ પોતાના ચાર સાથી પત્રકારો અને એક સહાયક સાથે ગાઝા શહેરના પૂર્વ ભાગમાં શિફા હોસ્પિટલ નજીક એક તંબુમાં હાજર હતા. હુમલામાં મોહમ્મદ કરીકા, ઇબ્રાહિમ ઝહેર, મોહમ્મદ નૌફલ અને એક સહાયક પણ માર્યા ગયા. અલ જઝીરાએ અનસને “ગાઝાનો સૌથી યુવા પત્રકાર” ગણાવતા આ ઘટનાને ગાઝાની સત્ય પરોક્ષ અવાજોને ચૂપ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

હુમલા પહેલા અનસે પોતાના X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી કે ઇઝરાયલ છેલ્લા બે કલાકથી ગાઝા શહેર પર બોમ્બમારો કરી રહ્યું છે. તેમના એકાઉન્ટ પર 5 લાખથી વધુ અનુયાયીઓ હતા. ગયા મહિને યુએન નિષ્ણાત ઇરેન ખાને ચેતવણી આપી હતી કે અનસના રિપોર્ટિંગને કારણે તેમના જીવને જોખમ છે. જુલાઈમાં કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સે પણ તેમના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય અપીલ કરી હતી, પરંતુ તાજા હુમલાએ આ બધી ચેતવણીઓને નકારી કાઢી.

હમાસે આ હત્યાને ઇઝરાયલી સેનાના “મોટા ગુનાનો આરંભ” ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, પત્રકારોની હત્યા અને બચેલા લોકોને ડરાવવું ગાઝા પર વધુ હુમલાનો માર્ગ મોકળો કરી રહ્યું છે. ગાઝાની હમાસ સરકારના મીડિયા કાર્યાલયનો દાવો છે કે તા,7 ઓક્ટોબર 2023 થી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી 237 પત્રકારોના મોત થયા છે.

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં કહ્યું હતું કે હમાસના ગઢને નષ્ટ કરવા માટે નવો હુમલો શરૂ થશે. આ દરમિયાન ગાઝામાં ખોરાકનું ગંભીર સંકટ સર્જાયું છે અને 22 મહિનાથી ચાલુ યુદ્ધના અંતના કોઈ સંકેત નથી.

આ ઘટના ત્યારે બની છે જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ઇઝરાયલ હમાસના ઠેકાણાઓને નષ્ટ કરવાની વાત કરે છે, જ્યારે હમાસ તેને પેલેસ્ટિનિયન લોકો સામેનો અત્યાચાર ગણાવે છે. અનસ અલ-શરીફની હત્યાએ ફરી એકવાર પત્રકારોની સુરક્ષા અને યુદ્ધ ક્ષેત્રમાં તેમની ભૂમિકાને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા ગરમાવી દીધી છે.

Most Popular

To Top