Editorial

ફિચે ક્રેડિટ રેટિંગ ઘટાડી દેતા અમેરિકાની અર્થવ્યવસ્થાને વધુ ફટકો પડશે

દુનિયામાં ચાલી રહેલી મંદી અને ખાસ કરીને ડામાડોળ થઈ રહેલી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડે તેવી સંભાવના જોવાઈ રહી છે. મંદીને કારણે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની આર્થિક હાલત નબળી થઈ ગઈ છે. દાયકાઓથી વધતી રહેલી અમેરિકાની દેવા મર્યાદામાં થોડા સમય પહેલા જ વધારો કરવામાં આવ્યો હતો. તેમાં પણ ભારે રાજકીય માથાકૂટ ચાલી હતી.

એવું લાગતું હતું કે કદાચ અમેરિકા ડિફોલ્ટર થઈ જાય પરંતુ બાદમાં તેની દેવાની મર્યાદા વધારવાનો મંજૂરી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ હવે ફિચે અમેરિકાનું રેટિંગ ત્રિપલ એથી ઘટાડીને ડબલ એ પ્લસ કરી દેતા અમેરિકાની આર્થિક પોલ બહાર આવી જવા પામી છે. અગાઉ ફિચે અમેરિકાને ટોપ રેટિંગ આપ્યું હતું પરંતુ અમેરિકાની નબળી થઈ રહેલી આર્થિક સ્થિતિ અને વધી રહેલા દેવાને કારણે ફિચ દ્વારા રેટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે. ફિચે ઘટાડેલા રેટિંગને અમેરિકા માટે લાલબત્તી સમાન ગણવામાં આવી રહ્યું છે.

ફિચને વિશ્વની ત્રણ મુખ્ય સ્વતંત્ર એજન્સીમાંની એક ગણવામાં આવે છે. ફિચ દ્વારા જે તે દેશ કે કંપનીની ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ફિચે આ રેટિંગ આપતા એવું કહ્યું છે કે, છેલ્લા બે દાયકામાં અમેરિકામાં ગવર્નન્સ નબળું થઈ ગયું છે. સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાનું અર્થતંત્ર વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને અમેરિકાના સરકારી સાધનોમાં કરવામાં આવેલા રોકાણને સૌથી વધુ સલામત માનવામાં આવે છે. જોકે, આ વર્ષે અમેરિકન સરકાર દ્વારા જે રીતે ઉધારી કરવામાં આવી છે તેણે આર્થિક સ્થિતિની હાલત ઉજાગર કરી છે. જો અમેરિકા દ્વારા આ વર્ષે દેવાની મર્યાદા વધારવામાં આવી નહીં હોત તો તે ડિફોલ્ટર બની ગયું હોત.

ફિચના ક્રેડિટ રેટિંગને વિશ્વમાં રોકાણ માટે બેન્ચમાર્ક માનવામાં આવે છે. જેને કારણે અમેરિકાના ઘટેલા રેટિંગની ભારે અસરો થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ ઘટેલા રેટિંગથી મોર્ગેજના દરને અસર થઈ શકે છે. આ કારણે અમેરિકામાં મોંઘવારી વધી શકે છે. રેટિંગ આપવાની સાથે ફિચનું કહેવું છે કે, દેવાની ટોચમર્યાદા વધારવા માટે વારંવાર અમેરિકામાં રાજકીય મડાગાંઠ સર્જાઈ હતી. જેને કારણે અમેરિકાની નાણાંકીય વ્યવસ્થા પર વિશ્વનો વિશ્વાસ ડગી ગયો છે. અમેરિકાનું દેવું તેમજ જીડીપી રેશિયો વધવાની સંભાવના છે. વ્યાજદર વધવાને કારણે વ્યાજ મોંઘું થયું છે. અને 2017માં કરાયેલા ટેક્સ કાપની મુદત પણ 2025માં પુરી થઈ રહી છે.

ફિચના કહેવા પ્રમાણે અમેરિકા સપ્ટેમ્બર માસમાં ફરી વ્યાજ દરમાં વધારો કરી શકે છે. આગામી સમયમાં જો અમેરિકા દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડાની સાથે નાણાંકીય જોગવાઈઓ કરવામાં નહીં આવે તો અમેરિકાનું રેટિંગ વધુ નીચે જઈ શકે છે.
ફિચના આ રેટિંગને અમેરિકાની સરકાર દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફિચનું આ રેટિંગએ રાજકીય હરીફોથી પ્રેરિત છે.

જોકે, જે રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં આર્થિક ગતિવિધી ચાલી રહી છે તેણે અમેરિકાની અર્થવ્યવસ્થા પર શંકાઓ ઊભી જરૂર કરી છે. હવે અમેરિકાએ એ પુરવાર કરવાનું છે કે ફિચ દ્વારા અપાયેલું રેટિંગ ખોટું છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને વિશ્વમાં ઉત્તમ અને સૌથી મોટી માનવામાં આવી રહી હતી પરંતુ સતત વધી રહેલા દેવાની મર્યાદાને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા પર આંગળીઓ ઉઠી રહી છે. આ કારણે જ ફિચ દ્વારા અમેરિકાનું રેટિંગ નીચું કરવામાં આવ્યું છે. અમેરિકામાં આવનારી મંદીની અસર ભારત પર પણ થવાની સંભાવના છે. અમેરિકાએ આ રેટિંગના આધારે સમજી જવું જોઈએ કે તેની અર્થવ્યવસ્થા મજબુત કરવી તે સમયની માંગ છે. નહીં તો વિશ્વનું અન્ય દેશ ‘જગત જમાદાર’ બની જશે તે નક્કી છે.

Most Popular

To Top