પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાં રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. મુખ્યમંત્રી Mamata Banerjee ભવાનીપુર બેઠકને લઈને સતત આક્રમક નિવેદનો આપી રહ્યા છે, જ્યારે ભાજપ પણ પ્રત્યુત્તર આપી રહ્યું છે. જલપાઈગુડીમાં યોજાયેલી જાહેર સભામાં મમતાએ “તમે ગમે તેટલા હુમલા કરો, બંગાળ ફરીથી જીતશે” એવો સૂત્ર આપીને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરી દીધો હતો. સભા દરમિયાન મમતાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે મતદાર યાદીમાં ગડબડ કરીને સાચા મતદારોના નામ કાપવામાં આવી રહ્યા છે, જે ચૂંટણીની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભા કરે છે. સાથે જ, નાગરિકતા મુદ્દે લોકો પર શંકા ઊભી કરવાની રાજનીતિ ચાલી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો.
મમતાએ કટાક્ષ કરતાં કહ્યું કે, “આટલા વર્ષોથી આ માટી પર જીવતા લોકો પાસેથી નાગરિકતા સાબિત કરાવવાની માંગ કરવી અયોગ્ય છે. પહેલા તમે પોતે સાબિત કરો, પછી બીજાને પડકારો.” તેમણે ભાજપ પર રાજ્યને નુકસાન પહોંચાડવાના પણ આક્ષેપ લગાવ્યા. તેમના કહેવા મુજબ, બંગાળને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને રાજ્યને અન્ય વિસ્તારો સાથે જોડવાની વાતો ફેલાવવામાં આવી રહી છે. મમતાએ દાવો કર્યો કે ઉત્તર બંગાળના વિભાજનના પ્રયાસોને તેમણે સમયસર અટકાવ્યા હતા. જનતાને સંબોધતા તેઓએ આગળ કહ્યું કે તેઓએ રસ્તાથી લઈને કોર્ટ સુધી લોકોના હકો માટે સતત લડત આપી છે અને આગળ પણ બંગાળના હિત માટે લડત ચાલુ રાખશે.