અમદાવાદ, તા. 12 : આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી પાંચ મેચની ટી-20 સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ધબાય નમ થયું હતું ત્યારે શ્રેયસ ઐય્યરે ટીમ ઇન્ડિયાની લાજ રાખીને અર્ધસદી ફટકારવાની સાથે ભારતીય ટીમને 7 વિકેટે 124 રનના સ્કોર પર પહોંચાડ્યું હતું. ઇંગ્લેન્ડના બોલરોએ ભારતીય ટીમના અન્ય બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા ત્યારે ઐય્યરે પોતાની નેચરલ ગેમ રમી બતાવી હતી.
ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને બોર્ડ પર 1.1 ઓવરમાં માત્ર 2 રન હતા ત્યારે કેએલ રાહુલ આઉટ થયો હતો. તે પછી વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો અને શિખર ધવન 4 રન કરીને આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર માત્ર 20 રન હતો. ઋષભ પંતે કેટલાક નયનરમ્ય શોટ ફટકાર્યા હતા અને તે જ્યારે રિધમમાં આવ્યો ત્યારે જ બેન સ્ટોક્સના બોલે મિડવિકેટ પર કેચઆઉટ થયો હતો.
પંત 23 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 48 રન હતો. તે પછી શ્રેયસે પોતાની કુદરતી રમત રમવા માંડી હતી. તેણે હાર્દિક પંડ્યા સાથે 54 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકનો ફાળો તેમાં માત્ર 19 રનનો રહ્યો હતો. ઐય્યરે પોતાની 48 બોલમાં 67 રનની ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અંતિમ ઓવરમાં અક્ષર પટેલે 3 બોલમાં 7 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટે 124 રનનો સ્કોર બનાવ્યો હતો.