નવી દિલ્હી: 18મી લોકસભાનું (Lok Sabha) પ્રથમ સંસદીય સત્ર આજથી સોમવારથી શરૂ થયું હતું. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સાથે જ શપથ ગ્રહણ દરમિયાન વિપક્ષના સભ્યો હાથમાં ભારતીય સંવિધાનની એક નકલ લઇને પહોંચ્યા હતા. તેમજ કેન્દ્ર સરકારના સાંસદોની શપથગ્રહણ દરમિયાન આ નકલને હવા લહેરાવી હતી.
ભારત ગઠબંધનના નેતાઓએ બંધારણની નકલ સાથે સંસદ પરિસરમાં વિરોધ કર્યો હતો. ત્યારે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું, “અમે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. જે રીતે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવી છે તે બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ છે.” આ સાથે જ જ્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નામ શપથ માટે બોલાવવામાં આવ્યું ત્યારે વિપક્ષે NEET-NEET, Shame…Shameના નારા લગાવ્યા હતા. આ સાથે જ વિપક્ષે NEET પેપર હેરાફેરી મામલે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.
ધર્મેન્દ્ર પ્રધાન શેમ-શેમનાં નારા લગ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ બાદ ભાજપના નેતાઓ રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરે શપથ લીધા હતા. આ સાથે જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ પણ સાંસદ તરીકે શપથ લીધા હતા.
આ સાથે જ જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને શપથ લેવા આવ્યા ત્યારે વિપક્ષે શેમ-શેમનાં નારા લગાવ્યા હતા. આ સીવાય જેડીયુના નેતા લાલન સિંહ, કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ,ગજેન્દ્ર સિંહ શેખાવત, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, મનસુખ માંડવિયા, ચિરાગ પાસવાન, શ્રીપદ નાઈક અને દુર્ગાદાસ ઉઈક, સુરેશ ગોપી, શોભા કરંદલાજ, અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ શપથ લીધા હતા.
વડાપ્રધાન મોદીએ લીધા શપથ
સૌપ્રથમ પ્રોટેમ સ્પીકર પહેલા વડાપ્રધાન મોદીને ગૃહના સભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાનની શપથ દરમિયાન, શાસક પક્ષના સાંસદોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જ્યારે વિપક્ષે બંધારણની નકલો હવામાં લહેરાવી હતી. હવે પછી અધ્યક્ષના સહયોગી સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. જે બાદ મંત્રીઓ અને અન્ય સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. ત્યારે સત્રના પ્રથમ દિવસે લગભગ 280 સભ્યો શપથ લેશે, જ્યારે બાકીના સભ્યો બીજા દિવસે શપથ લેશે.
ત્યારે વડાપ્રધાન મોદીએ ઇમરજન્સીને યાદ કરતા કહ્યું કે આવતીકાલે 25મી જૂન છે. 25મી જૂને ભારતના લોકતંત્ર પર લાગેલા ઇમરજન્સીના ડાઘને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભારતની નવી પેઢી એ ક્યારેય ભૂલી શકશે નહીં કે ભારતના બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું, બંધારણના દરેક ભાગને ફાડી નાખવામાં આવ્યું હતું. દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો હતો, લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, પોતાના બંધારણની રક્ષા કરતી વખતે, ભારતની લોકશાહીની લોકતાંત્રિક પરંપરાઓનું રક્ષણ કરતી વખતે, દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે ભારતમાં 50 વર્ષ પહેલા જે કરવામાં આવ્યું હતું તે ફરીથી કરવાની હિંમત કોઈએ ન કરવી જોઈએ. અમે જીવંત લોકશાહી માટે પ્રતિજ્ઞા લઈશું. અમે ભારતના બંધારણના નિર્દેશો અનુસાર સામાન્ય માણસના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કરીશું.
સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. ત્યારે જણાવી દઇયે કે શપથ રાજ્ય પ્રમાણે નામના આધારે લેવામાં આવે છે. એટલે કે, A થી શરૂ થતા રાજ્યોના સાંસદોને પહેલા શપથ લેવડાવવામાં આવે છે.
દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધશે
અગાઉ વિરોધ પક્ષોએ શાસક પક્ષના સભ્યની પ્રોટેમ સ્પીકરના પદ પર નિમણૂકનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગૃહમાં વધુ વરિષ્ઠ સભ્યો હતા જેમને નિયમો હેઠળ આ જવાબદારી સોંપવી જોઈતી હતી. ત્યારે લગભગ દસ દિવસ ચાલનારા લોકસભાના આ પ્રથમ સત્રમાં 26 જૂને લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે. ત્યાર બાદ 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
આ પછી 28 જૂનથી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા થશે. આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપી શકે છે. લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, 18મી લોકસભાના સભ્યોના શપથ ગ્રહણ સાથે સોમવારથી સત્ર શરૂ થશે.
સંસદમાં પરિવર્તન જોવા મળ્યું
આ વખતે 18મી લોકસભામાં ગૃહનો દૃષ્ટિકોણ પણ બદલાયું હતું. વિપક્ષ, જે અત્યાર સુધી ગૃહમાં કેટલીક બેન્ચ સુધી સીમિત હતી, તે આ વખતે લોકસભામાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી. જ્યાં આ વખતે વિપક્ષની કુલ સંખ્યા 234 થઇ હતી. જેમાંથી 99 સભ્યો એકલા કોંગ્રેસના જ છે. ગૃહમાં સત્તાધારી પક્ષનું સંખ્યાબળ 293 રહ્યું હતું, જેમાંથી એકલા ભાજપ પાસે 240 સભ્યો હતા.