Business

ગાંધીનગરમાં કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો પ્રારંભ

ગાંધીનગર, તા. 9
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા અધિકારીઓને શાસન વ્યવસ્થાની મૂળભૂત સમજ, પ્રશાસનિક મૂલ્યો તથા કાર્યક્ષમતા વિકસાવવા માટે પૂર્વ સેવા તાલીમના ભાગ રૂપે કોમન ફાઉન્ડેશન કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અમલીકરણ માટે તાલીમ સંબંધિત નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), ગાંધીનગર ખાતે મહાનિદેશક હારીત શુક્લાના માર્ગદર્શન હેઠળ આજે કુલ 50 અધિકારીઓ માટેના કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો વિધિવત્ આરંભ સ્પીપા, અમદાવાદના નાયબ મહાનિદેશક ચંન્દ્રેશ કોટક દ્વારા કરવામાં આવ્યો છે.

આ તાલીમ કાર્યક્રમ દ્વારા અધિકારીઓને રાજ્યની શાસન પદ્ધતિ, જાહેર નીતિ, સુશાસન, વહીવટી વ્યવહાર, કાયદાકીય માળખું, નાણાકીય વ્યવસ્થાપન તથા લોકકેન્દ્રિત સેવા સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે અનુભવી અધિકારીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો, ચર્ચા સત્રો અને પ્રાયોગિક તાલીમ દ્વારા અધિકારીઓની કાર્યક્ષમતા તથા નેતૃત્વ ક્ષમતા વિકસાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે તા. 08 માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોમન ફાઉન્ડેશન કોર્સની આ પ્રથમ બેચમાં તાલીમાર્થી અધિકારીઓમાં મોટાભાગે મહિલા અધિકારીઓનો સમાવેશ થતો હોવાથી તાલીમના ઉદ્ઘાટન સત્રમાં સ્પીપાના નાયબ મહાનિદેશકએ જણાવ્યું કે આ બેચના શુભારંભ સાથે અનાયાસ સ્પીપા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.

Most Popular

To Top