અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં આજે સવારે બાઈક (Bike) પર આવેલા બે અજાણ્યા લૂંટારા હવામાં ગોળીબાર (Firing) કરી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 20 લાખ ભરેલો થેલો ઝુટવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે (Police) આ ઘટના અંગે સીસીટીવીના મદદથી લૂંટારૂઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં ખોડિયાર ચેમ્બરમાં આવેલી આર.અશોક નામની આંગડિયા પેઢીના કર્મચારી ભદ્રેશ પટેલ 20 લાખ રૂપિયાનો થેલો લઈ આંગડિયા પેઢીની ઓફિસમાં જવા સીડી ચડી રહ્યા હતાં, તે દરમિયાન અચાનક જ મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા લૂંટારોએ હવામાં ગોળીબાર કરી ભદ્રેશભાઈ પાસેથી રોકડા રૂપિયા 20 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ગોળીબારના પગલે સમગ્ર વિસ્તારમાં નાસ ભાગ મચી જવા પામી હતી. જોકે થોડીવારમાં લૂંટ થયું હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસે આ ઘટના અંગે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે. લૂંટ અને ફાયરિંગની આ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાને જઈ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં કોઈ જાણ ભેદુ હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે તમામ પાસાઓ અંગે કડીઓ મેળવવાનું શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીમાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાન દાગીના અને રોકડ ભરેલું બેગ ઉંચકી ગયા
નવસારી: (Navsari) નવસારીમાં બે અલગ-અલગ જગ્યાએ ચોરીની (Theft) ઘટનાઓ બનતા પોલીસ દોડતી થઇ હતી. એક બી.આર. ફર્મમાં યોજાયેલા લગ્ન (Marriage) પ્રસંગમાં મહેમાન બનીને ગયેલા ચોરોએ દાગીના અને રોકડા ભરેલું બેગ ચોરી ગયા હતા. જ્યારે નવસારીની શ્રીરામ ડેરીમાં ચોરો રોકડા રૂપિયા ચોરી કરી ગયા હતા. આ બંને ઘટનાના ચોરો સીસીટીવી કેમેરામાં (CCTV Camera) કેદ થતા પોલીસે તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારીમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. ચોરટાઓ ઠંડીમાં ચોરીને અંજામ આપી લોકોની તેમજ પોલીસની ઠંડી ઉડાવી ઊંઘ બગાડી રહ્યા છે. ચોરટાઓ નવસારીમાં બે અલગ-અલગ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. જેથી નવસારીમાં પાર્ટી પ્લોટ, વાડીઓ તેમજ વિવિધ જગ્યાએ લગ્ન પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. લગ્ન પ્રસંગમાં મહેમાનો હોવાથી ચોરટાઓ મહેમાન બની લગ્ન પ્રસંગમાં જતા રહે છે. નવસારી બી.આર. ફાર્મમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં ચોરટાઓ મહેમાન બની ઘુસી ગયા હતા. જ્યાં તેમણે મોકો જોઈ દાગીના અને રોકડા રૂપિયા ભરેલી બેગ સેરવી લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી આ બાબતે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળે છે.
તસ્કરોએ પહેલા ડેરીમાં લસ્સી પીધી ત્યારબાદ ચોરી કરી
બીજા બનાવમાં નવસારી જુનાથાણા પાસે શ્રીરામ ડેરી આવી છે. જ્યાં મોડી રાત્રે અજાણ્યો ચોરો શટર ખોલી દુકાનમાં ઘુસ્યા હતા. જ્યાં તે ચોરોએ પહેલા દુકાનમાં રાખેલી લસ્સી પીધી હતી. ત્યારબાદ તેમણે દુકાનના ગલ્લામાં મુકેલા રોકડા 10 હજાર રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યારે આ બાબતે દુકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ચોરટાઓનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.