World

ઈરાનના બજારમાં ગોળીબાર: 2 મહિલા સહિત 5 લોકોના મોત

નવી દિલ્હી: કેટલાક હુમલાખોરોએ 16 નવેમ્બરના રોજ ઈરાનના દક્ષિણ-પશ્ચિમ શહેર એઝેહના એક બજારમાં ગોળીબાર (Firing) કર્યો હતો. જેના કારણે 2 મહિલા સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે આ હુમલામાં કેટલાક અન્ય લોકો અને સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ (Injured) થયા હોવાની જાણકારી મળી આવી છે. મળતી માહિતી અનુસાર ઈરાનના ઈસ્ફહાન શહેરમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સેનાના 2 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. બંને હુમલામાં હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા. આ હુમલા પાછળનો હેતુ શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ હુમલો બે મહિનાથી ચાલી રહેલા હિજાબ વિરોધી વિરોધ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. જ્યાં એક યુવતીએ પોલીસ કસ્ટડીમાં જીવ ગુમાવ્યો હતો. ઇઝેહમાં થયેલા હુમલામાં સુરક્ષાકર્મીઓ સહિત 10 લોકો ઘાયલ થયાની જાણકારી મળી આવી છે.

ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર વલીઉલ્લાહ હયાતીએ જણાવ્યું કે મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બુધવારે મોડી રાત્રે ઇઝેહના જુદા જુદા ભાગોમાં વિરોધીઓના કેટલાક જૂથો એકઠા થયા હતા. તેઓ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તે જ સમયે તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ દરમિયાન કોઈએ શિયા સમુદાયની મદરેસામાં આગ લગાવી દીધી હતી.

બાળકીના મોતના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં 22 વર્ષની છોકરીના મોતના વિરોધમાં સપ્ટેમ્બરથી લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. ઈરાનમાં નૈતિકતાના નામે કાર્યવાહી કરતા પોલીસે મહસા અમીની નામની યુવતીની ઘરપકડ કરી હતી અને 16 સપ્ટેમ્બરના રોજ કસ્ટડીમાં તેનું મોત થઈ ગયું હતું. ઈરાની સરકારે સતત દાવો કર્યો છે કે અમીની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો ન હતો, જ્યારે અમીનીના પરિવારનું કહેવું છે કે તેના શરીર પર ઉઝરડા અને મારના નિશાન હતા. અમીનીને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ દેશમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 344 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 15,820 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાની દળો દ્વારા પ્રદર્શનને રોકવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

Most Popular

To Top