મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શિવપુરી(Shivpuri)માંથી જન્મદિવસ(Birthday)ની પાર્ટીમાં ફાયરિંગ(firing)ની ઘટના સામે આવી છે. પાર્ટીમાં બાર ગર્લ્સ(Bar Girls)ને બોલાવવામાં આવી હતી અને ડીજેના જોરદાર અવાજ પર ડાન્સ ચાલી રહ્યો હતો. તે દરમિયાન ડાન્સ કરતી વખતે એક યુવકે દેશી તમંચો કાઢીને હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરીંગનાં પરદાની પાછળ ઉભેલા 12 વર્ષના કિશોરને આંખમાં ગોળી વાગી ગઈ હતી.
ગોળી વાગતા કિશોરની હાલત ગંભીર બની ગઈ હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે કરૈરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફાયરિંગ થયા બાદ ગોળી બાળકને લાગી છે તેની સ્થાનિક લોકોને થોડી ક્ષણો સુધી માલુમ જ ન હતું, પણ બાળકે ઈજાને લીધે બુમો પાડવા લાગતા આ ઘટનાની જાણ થઈ હતી.
બાર ડાન્સર સાથે ડાન્સ કરતી વખતે યુવકે ફાયરિંગ કર્યું
આ મામલો કરૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડબરા ગામનો છે. જ્યાં ભાગવત લોધી નામના વ્યક્તિના પૌત્રનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમમાં બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી. બર્થડે પાર્ટીમાં મચાવલી ગામમાં રહેતા સગા લોકેન્દ્ર લોધી અને નરેન્દ્ર લોધી પણ હાજર હતા. આ દરમિયાન નૃત્ય-ગાન ચાલી રહ્યું હતું. લોકેન્દ્ર અને નરેન્દ્ર બાર ગર્લ્સ સાથે ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન લોકેન્દ્ર લોધીએ ગોળીબાર કર્યો હતો.
વીડિયો 6 અને 7 એપ્રિલની રાતનો
કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર હાજર લોકોએ લોકેન્દ્રને ફાયરિંગ કરતા રોક્યા હતા. પરંતુ ઝપાઝપીમાં ફાયરીંગ થઇ ગયું અને 12 વર્ષના માસૂમ બાળક ઉમાશંકર પરિહારને આંખમાં ગોળી વાગી હતી. પરિવારના સભ્યો તરત જ બાળકને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ થયેલો આ વીડિયો 6 અને 7 એપ્રિલની રાતનો છે.
પોલીસે બંનેની ધરપકડ કરી
ઘટનાની માહિતી મળતા જ કરૈરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ માટે દોડી આવી હતી. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે નરેન્દ્ર અને લોકેન્દ્ર વિરુદ્ધ કેસ નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આવી ઘટના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.