Gujarat

દસક્રોઇનું વાંચ ગામ હવે માત્ર ફટાકડા માટે નહીં પરંતુ ફાલસાની ખેતી માટે પણ જાણીતું બન્યું

અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના (Fireworks) કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની (Falsa) બાગાયતી ખેતી (Farming) આ ગામની નવી ઓળખ બની રહી છે. ગામમાં મોટાપાયે થતાં ફાલસાના વાવેતર અને ઉત્પાદને વાંચ ગામને નવી ઓળખ આપી છે. વાંચના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત અમિતભાઈ વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસના કારોબાર સાથે સંકળાયેલા વાંચના ખેડૂત અમિતભાઈ શાહ બાગાયતી ખેતી સાથે પણ દિલથી જોડાયેલા છે. પોતાની 1.12 હેકટર જમીન ઉપરાંત ભાડા પેટે અન્ય 1 હેકટર જમીન મેળવીને ફાલસા, પપૈયા અને આમળાંની બાગાયતી ખેતી કરતા અમિતભાઈ બાગાયત વિભાગના માર્ગદર્શન અને સહાય દ્વારા યોગ્ય વાવેતર અને આયોજન થકી સારો નફો મેળવી રહ્યાં છે. ફાલસાના ફળ ઉપરાંત ફાલસાના પલ્પના વેચાણ થકી સારો નફો મેળવતા અમિતભાઈએ બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશનમાં નવો ચીલો ચીતર્યો છે.

ફાલસા અને અન્ય બાગાયતી પાકોની ખેતી અને તેમાં બાગાયત વિભાગ દ્વારા મળતા માર્ગદર્શન વિશે વાત કરતા અમિતભાઈ કહ્યું હતુ કે, પાંચેક વીંઘા જેટલા વાવેતરમાં 6 થી 7 હજાર કિલો જેટલું ફાલસાનું ઉત્પાદન મળતું હોય છે. ડિસેમ્બર માસમાં ફાલસાના પાકને કાપણી કરીને રાખવામાં આવે છે, જેનું ઉત્પાદન માર્ચ – એપ્રિલ આસપાસ મળવા પામતું હોય છે. ફાલસાના કુલ ઉત્પાદનમાંથી તેઓ ફાલસા સીધા બજારમાં પણ વેચે છે અને પલ્પ બનાવીને પણ વેચાણ કરે છે.

અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વધુ ને વધુ ખેડૂતો બાગાયતી ખેતી અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને બાગાયત વિભાગ દ્વારા સકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને બાગાયતી ખેતી માટે માર્ગદર્શન સહિત વિવિધ યોજનાઓના લાભ સીધા મળી રહે તે માટે યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જિલ્લાના ખેડૂતો વધુને વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે પણ ખેડૂતોને તાલીમ આપવા સહિતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ફાલસાના પલ્પનો 350 રૂપિયા પ્રતિકિલો જેટલો બજારભાવ મળી રહેતો હોય છે, જ્યારે સીઝનમાં ફાલસાનો ભાવ પણ 70 થી 100 રૂપિયા પ્રતિકીલો જેવો મળી રહેતો હોય છે. આ ઉપરાંત, આ વખતે 2.5 વીઘા જેટલી જમીનમાં તેમણે આમળાંનું વાવેતર કર્યું છે અને તેમાં આંતરપાક તરીકે પપૈયાનું વાવેતર કરેલું છે. બાગાયતી ખેતીમાં અન્ય ખેતીની સરખામણીમાં ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ફાલસાની કુલ 3 લાખ જેટલી આવકમાંથી ચોખ્ખો 2.5 લાખ જેટલો નફો મળતો હોય છે.

Most Popular

To Top