National

અગ્નિવીરોને મળશે બે દળોમાં આરક્ષણ અને આ ફાયદા, રાજ્યસભામાં સરકારનો જવાબ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Nithyananda Rai) બુધવારે 24 જુલાઈ રાજ્યસભામાં (RajyaSabha) એક લેખિત જવાબ રજૂ કર્યો હતો. અસલમાં આજે બુધવારે બજેટના બીજા દિવસે સંસદમાં કેન્દ્રીય બજેટ ઉપર ચર્ચા થઇ હતી. ત્યારે બજેટના વિવિધ પાસાઓ અને બજેટમાં કોને ક્યા લાભો મળ્યા છે, તે બાબતે આજે ચર્ચા થઇ હતી. આ દરમિયાન રાજ્યસભામાં અગ્નિવીરોને (Agniveer) મળેલી સુવિધા અંગે લેખિત જવાબ રજૂ કરાયો હતો.

અસલમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે 24 જુલાઈ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) અને આસામ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ-જનરલ ડ્યુટી/રાઈફલમેનના પદો પર નિમણૂંકોમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે અગ્નિવીરોને વય મર્યાદા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અગ્નિવીર હેઠળ ભારતીય સેના નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે. આ સશસ્ત્ર દળોમાં નિમણૂકની નવી શ્રેણી છે. જેના અંતર્ગત 75 ટકા અગ્નિવીરો ભરતી થયાના ચાર વર્ષની સેવા પછી કોઈપણ પેન્શન લાભ વિના નિવૃત્ત થઇ જાય છે. બાકીના 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિક તરીકે દળમાં સામેલ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સરકારે હવે તે 75 ટકા અગ્નિવીરો માટે પણ રોજગારની વ્યવસ્થા કરી છે.

CAPF અને આસામ રાઈફલ્સમાં કેટલી જગ્યાઓ ખાલી છે?
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે CAPF અને આસામ રાઈફલ્સમાં ખાલી પડેલી જગ્યાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “સીએપીએફ અને આસામ રાઈફલ્સમાં 1 જુલાઈ, 2024 સુધી ખાલી જગ્યાઓની સંખ્યા 84,106 છે, બંનેમાં કુલ 10,45,751 પોસ્ટની મંજૂર સંખ્યા છે.”

તેમણે વધુમાં કહ્યું, “એપ્રિલ 2023 થી ફેબ્રુઆરી 2024ની વચ્ચે 67,345 લોકોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત 64,091 ખાલી જગ્યાઓને સૂચિત કરવામાં આવી છે અને આ જગ્યાઓ ભરતીના વિવિધ તબક્કામાં છે. જેથી સ્પષ્ટ થાય છે કે પદોની ખાલી જગ્યાઓની સંખ્યાને કારણે ઓવરટાઇમનો પ્રશ્ન જ ઊભો થતો નથી.”

અગ્નિવીરો માટે સરકારે શું કર્યું?
અગ્નિવીરોને લઈને થયેલા હોબાળા વચ્ચે, ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, “કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ-જનરલ ડ્યુટી/રાઈફલમેનની પોસ્ટ પર ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીર માટે ખાલી જગ્યાઓમાંથી 10% અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ઉપરાંત આસામ રાઈફલ્સ માટે ઉચ્ચ વય મર્યાદામાં છૂટ અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Most Popular

To Top