મહેસાણા-બહુચરાજી હાઈવે પર આવેલા સામેત્રા ગામ નજીક સ્થિત APN સલ્ફર પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જેના કારણે ભારે ગભરાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં કામ કરતા બે શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા મોતને ભેટ્યા હતા. જ્યારે બે લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાત્રે અચાનક આગ ભભૂકી
માહિતી અનુસાર, રાત્રે લગભગ 3 વાગ્યેની આસપાસ સલ્ફર પ્લાન્ટના બીજા માળે કામ ચાલતું હતું ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો. પરંતુ કર્મચારીઓએ પોતાની રીતે આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેમ છતાં, ઘટના ખૂબ જ ગંભીર સાબિત થઈ.
આગ બાદ બેના ભડથું મૃતદેહ મળ્યા
આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે બે શ્રમિકોના ભડથું થયેલા મૃતદેહ મળ્યા. મૃતકોમા ફુલચંદ (મહારાષ્ટ્ર) અને મનીષ (બિહાર)નો સમાવેશ થાય છે. બંને શ્રમિકો પ્લાન્ટમાં અલગ-અલગ સમયથી કામ કરી રહ્યા હતા.

“ફુલચંદ સળગતી હાલતમાં મારી સામે આવ્યો”
પ્લાન્ટમાં કામ કરતા મજૂર વિનય પાસવાને જણાવ્યું કે “ઘટના સમયે હું સુઈ રહ્યો હતો. અચાનક ખબર પડી કે આગ લાગી છે. એ દરમિયાન ફુલચંદ સળગતી હાલતમાં મારી સામે આવ્યો. મેં આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનું મોત થઈ ગયું. પછી ઉપર જઈને જોયું તો મનીષ પણ સળગતી હાલતમાં પડેલો હતો. તેને તરત મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.”
અન્ય બે શ્રમિકો ઘાયલ
આ ઘટનામાં અન્ય બે શ્રમિકો પણ ઘાયલ થયા છે. તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક ફુલચંદ છેલ્લા પાંચ વર્ષથી ઓપરેટર તરીકે કામ કરતો હતો. જ્યારે મનીષ ચાર મહિનાથી જ પ્લાન્ટમાં જોડાયો હતો.
પોલીસ-વહીવટીતંત્રની તપાસ શરૂ
આગની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રમિકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે. પરંતુ આગ કેમ લાગી તે અંગે હજી તપાસ ચાલી રહી છે. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
વિસ્તારમાં શોકનો માહોલ
આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.