SURAT

સુરતની કાપડ માર્કેટમાં આગ લાગી, મીટર પેટીની આગ ત્રીજા માળ સુધી ફેલાઈ

શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે તા.18 સપ્ટેમ્બર વહેલી સવારે આગ લાગ્યાની ઘટના બની હતી. બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ લાગી હતી. જે ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ લાગતાં જ ટેક્સટાઇલ માર્કેટમાં હાહાકાર મચી ગયો હતો. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

  • નિધિ ટેક્સટાઇલ માર્કેટની મીટર પેટીમાં ધડાકા સાથે આગ
  • ફાયર ફાઇટેર્સે ઓક્સિજન માસ્ક પહેરી આગ કાબુમાં લીધી

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની આશંકા
મળતી માહિતી અનુસાર આગ સવારે લગભગ 5.30 વાગ્યે લાગી હતી. માર્કેટના બેઝમેન્ટમાં મીટર પેટીમાંથી ધડાકો થતાં આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની તીવ્રતા એટલી વધારે હતી કે કોપરના વાયરો સળગતા ઝેરી અને ગાઢ ધુમાડો આખી ઈમારતમાં ફેલાઈ ગયો હતો.

ફાયર ફાઇટેર્સે ઓક્સિજન માસ્ક પહેરી આગ કાબુમાં મેળવી
ઘટનાની જાણ થતાં જ ડુંભાલ, પુણા અને માનદરવાજા ફાયર સ્ટેશનમાંથી કુલ આઠ ફાયર ફાઇટિંગ વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ઓફિસર કૃષ્ણા મોઢે જણાવ્યું હતું કે બેઝમેન્ટમાં કોપર અને રબરના વાયરો સળગતાં ઝેરી અને ગાઢ ધુમાડો ફેલાયો હતો. જેના કારણે ફાયર ફાઇટર્સને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. બહારથી એવું લાગી રહ્યું હતું કે જાણે આખી ઈમારત સળગી રહી હોય પરંતુ હકીકતમાં અંદર ધુમાડો વધુ હતો.

દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંતે લગભગ દોઢ કલાકની ભારે મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે નિધિ ટેક્સટાઇલ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હતી પરંતુ આગ સીધી ઇલેક્ટ્રિક વાયરોમાં લાગી હોવાથી સેફ્ટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી ન હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top