SURAT

સુરતમાં ગેસ લીકેજ થતાં ફ્લેટમાં આગ લાગી, 50 વર્ષીય આધેડ દાઝ્યા

સુરતના ઉધના વિસ્તારમાં ગેસ લીકેજ બાદ થયેલા ધડાકાને કારણે એક રહેણાંક ફ્લેટમાં આગ લાગતા હડકંપ મચી ગયો. આ દુર્ઘટનામાં એક 50 વર્ષીય આધેડ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી.

ભીમનગર આવાસમાં ગેસ લીકેજ બાદ આગ
મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર આવાસની બિલ્ડિંગ નંબર 25ના રૂમ નંબર 13માં રહેનાર રૂધાકર ગિરધર ભાલેરાવ (ઉંમર 50 વર્ષ) પોતાના ઘરમાં હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક ગેસ લીકેજ થતાં સિલિન્ડરમાં આગ લાગી અને ધડાકો થયો. ધડાકાના અવાજથી આસપાસના રહેવાસીઓ બહાર આવી ગયા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી.

આગમાં આધેડ ગંભીર રીતે દાઝ્યા
ગેસ લીકેજ બાદ ફેલાયેલી આગમાં રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક ઉધના અને માન દરવાજા ફાયર સ્ટેશન પરથી ટીમોને ઘટનાસ્થળે મોકલી હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારબાદ ઘાયલ આધેડને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર વિભાગની ઝડપી કામગીરી
ફાયર બ્રિગેડ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આગ પર સમયસર કાબૂ ન મેળવાયો હોત તો અન્ય ફ્લેટો સુધી પણ આગ ફેલાવાનો ભય હતો. તેમની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી શકી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં પોલીસે અને ફાયર વિભાગે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ ગેસ સિલિન્ડર લીકેજને કારણે આગ લાગી હોવાનું મનાય છે. આ ઘટનાએ ફરી એકવાર ગેસ સિલિન્ડરનો સુરક્ષિત ઉપયોગ અને સમયાંતરે ચકાસણીના મહત્વ પર ભાર મૂક્યો છે.

Most Popular

To Top