મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી-ચેન્નાઈ જીટી એક્સપ્રેસના એક કોચમાં અચાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી હતી. ટ્રેન નવી દિલ્હીથી ચેન્નાઈના તાંબરમ સ્ટેશન તરફ જઈ રહી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું રેલવે તંત્રએ જણાવ્યું છે. ટ્રેન નંબર 12616 ન્યૂ દિલ્હી-ચેન્નઈ (તંબરમ) ગ્રાન્ટ ટ્રંક એક્સપ્રેસ મંગળવારે સવારના નાગપુરથી નીકળી હતી. ટ્રેન જ્યારે વર્ધાના સિંડી રેલવે સ્ટેશન પાસે પહોંચી હતી ત્યારે ટ્રેનના છેલ્લાં ગાર્ડના SLR કોચમાં આગ લાગી હતી. આ બનાવ સવારના 11.09 વાગે થયો હતો, કોચમાંથી ધુમાડો નીકળતો દેખાતા જ રેલવે સ્ટાફ સતર્ક બની ગયો અને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. આ દરમિયાન મુસાફરોને શાંતિપૂર્વક ટ્રેનમાંથી ઉતારી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનમાં રહેલા બધા મુસાફરો સુરક્ષિત છે. આગ લાગેલા કોચને તાત્કાલિક સાવચેતીપૂર્વક ટ્રેનથી અલગ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. ઘટનાને કારણે નાગપુર-સેવાગ્રામ રેલવે માર્ગ પર થોડો સમય માટે અવરજવર રોકવામાં આવી હતી, જેના પરિણામે કેટલીક ટ્રેનો મોડેથી ચાલી હતી. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને નવી દિલ્હી-ચેન્નાઈ ટ્રેનને ફરીથી તેની યાત્રા માટે રવાના કરવામાં આવી છે. આ ઘટનાના કારણે નાગપુર-સેવાગ્રામ રેલવે લાઈન પર થોડો સમય ટ્રાફિક પ્રભાવિત થયો હતો અને કેટલીક ટ્રેનો મોડી પડી હતી. જોકે, સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો અને જીટી એક્સપ્રેસને પણ તેની યાત્રા માટે રવાના કરવામાં આવી હતી.