(પ્રતિનિધિ) ખેડા તા.28
ખેડા – ધોળકા રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રક ડિવાઇડર કુદી રોંગ સાઇડે ટ્રક સાથે અથડાઇ
ખેડાના ધોળકા રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રકના ચાલકની બેદરકારીથી તે ડિવાઇડર કુદી રોંગ સાઇડે ધસી ગઇ હતી અને સામે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે બન્ને વાહનમાં આગ લાગતાં મિનિટ્રકનો ચાલક ભડથું થઇ ગયો હતો. આ અંગે ખેડા પોલીસે મિનિટ્રકના ચાક સામે ગુનો નોધ્યો હતો. ખેડા – ધોળકા રોડ પર ગાંધીપુરા ગામના પેટ્રોલ પંપ પાસે શુક્રવારની મોડી રાત્રે જોરદાર અકસ્માત સર્જાયો હતો. મિનિટ્રક નં.જીજે 1 સીએક્સ 3561ના ચાલક બિજલભાઈ કાનાભાઈ ઉર્ફે કાંતિભાઈ ભરવાડએ પોતાની મિનિટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. જેના કારણે તે બેકાબૂ બની જતાં ડિવાઇડર કુદી રોંગ સાઇડે ધસી ગઇ હતી. આ દરમિયાન ટ્રક નં.એમપી 09 એચએચ 7566 સાથે ધડાકાભેર અથડાઇ હતી. જોકે આ અકસ્માતમાં મિનિટ્રક સીધી ટ્રકના ડિઝલ ટેન્કના ભાગે અથડાઇ હતી. જેના કારણે ડિઝલ ટેન્કમાં પંકચર થવાથી આગ ભડકી હતી. જોત જોતામાં બન્ને વાહનો આગની ઝપેટમાં આવી ગયાં હતાં. આ આગમાં મિનિટ્રકના ચાલક બિજલભાઈ કાનાભાઈ ઉર્ફે કાંતિભાઈ ભરવાડ (ઉ.વ.55, રહે. ભોલેનાથ મંદિર પાસે, બાવળા, જિ. અમદાવાદ) જપેટમાં આવી ગયાં હતાં અને સ્થળ પર જ ભડથું થઇ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં ખેડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે. પંચાલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ટ્રક ચાલક સુરેશ કુવરસિંહ બામણીયાની ફરિયાદ આધારે બિજલભાઈ ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ માટે એફએસએલને જાણ કરી હતી.
ખેડા – નડિયાદ ફાયરે એક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી
ખેડા – ધોળકા રોડ પર બે વાહન અથડાતા બન્નેમાં આગ લાગી હતી. જેના પગલે ખેડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી અને રસ્તો બંધ કરાવી દીધો હતો. બીજી તરફ આગને કાબુમા લેવા ખેડા અને નડિયાદ ફાયર વિભાગની મદદ લીધી હતી. જેઓએ એક કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. બાદમાં ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યો હતો.