સુરત: ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવનારા તેમજ ફાયરની નોટિસોને પણ ઘોળીને પી જનારા બેદરકારો સામે ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લાલ આંખ કરી સીલિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી સપાટો બોલી અડાજણ, રાંદેર સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલાં શોપિંગ કોમ્પ્લેક્સ અને હોસ્પિટલ, હોટલોને સીલ કરવામાં આવી હતી.
ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈ કાલે શહેરના અડાજણ, રાંદેર, લાલ દરવાજા, મહિધરપુરા, લાલગેટ સહિતના વિસ્તારોમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર ઓફિસર હિતેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઓફિસરો અને કર્મચારીઓ મળી 50 જેટલા કર્મચારીના કાફલાએ ગઈ કાલે રાત્રિના 11 વાગ્યાથી સીલિંગની કામગીરી શરૂ કરી હતી. જે મોડી રાત્રે 2 વાગ્યા સુધી પૂર્ણ થઇ હતી.
આ દરમિયાન રાંદેરમાં આવેલ રિદ્ધિ શોપર્સને આખું સીલ કરવામાં આવ્યું હતું. જેમાં 28 દુકાન અને 1 અને 2 ક્લિનિક પણ સીલ કરાયાં હતાં. આ સિવાય મહિધરપુરા વિસ્તારમાં આવેલા જોગાની પ્રાઈવેટ લિમિટેડની કુલ 20 ઓફિસ સીલ કરાઈ હતી. લાલગેટ ખાતે આવેલો ફેસ્ટિવલ નામનો સાડીનો શો-રૂમ, લાલ દરવાજા પર આવેલ હોટલ આર.બી. રેસિડેન્સી સીલ કરાઈ હતી. તેમજ ઉધના ઝોનમાં એ.એમ.કોર્પોરેશન, અશોક શોપિંગ સેન્ટર, પાંડેસરા જી.આઈ.ડી.સી.ની કુલ 115 દુકાન સીલ કરાઈ હતી. વરાછામાં રાધિકા ઓપટીમાં કોમ્પ્લેક્સ, કતારગામમાં મધુરમ્ કોમ્પ્લેક્સ સીલ કરાયું હતું.
આ તમામને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. છતાં ફાયર સેફ્ટીનાં સાધનો રાખવામાં નહીં આવતાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ વેસુ કેનાલ રોડ પરની એન્જોય રેસિડેન્સી અને મોટા વરાછામાં એપલ હાઈટ્સમાં પાણી અને ડ્રેનેજનાં કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં હતાં.