Entertainment

નયનતારાની ‘અન્નપૂર્ણાની’ વિરુદ્ધ FIR નોંધાઈ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

મુંબઇ: અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ના નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ મુંબઈ પોલીસે આ મામલે ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધી છે. શિવસેના દળના ભૂતપૂર્વ નેતા રમેશ સોલંકીએ ફિલ્મના નિર્માતાઓ પર હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે મેકર્સ પર ભગવાન રામના નામનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

મુંબઈ પોલીસે કેસ નોંધ્યો
6 જાન્યુઆરી શનિવારના રોજ ‘અન્નપૂર્ણાની’ ફિલ્મના નિર્માતા ઉપર આરોપ લગાવતા શિવસેનાના ભૂતપૂર્વ નેતાએ એમ પણ કહ્યું કે આ ફિલ્મ લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. આ સાથે જ નેતાએ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કડક પગલાં લેવા અને ફિલ્મના નિર્માતાઓ તેમજ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઈન્ડિયા સામે એફઆઈઆર નોંધવા વિનંતી કરી છે.

ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ
શિવસેના દળના ભૂતપૂર્વ નેતા રમેશ સોલંકીએ પોતાના એક્સ એકાઉંન્ટ ઉપર લખ્યું કે, ‘એવા સમયે જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી રામ મંદિરના અભિષેકની અપેક્ષામાં આનંદ કરી રહ્યું છે, ત્યારે આ હિન્દુ વિરોધી ફિલ્મ અન્નપૂર્ણાની નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જેનું નિર્માણ ઝી સ્ટુડિયો, નાદ સ્ટુડિયો અને ટ્રાઇડેન્ટ આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હિન્દુ ધર્મગુરુની પુત્રી બિર્યાની બનાવતી વખતે નમાઝ અદા કરે છે. આ ફિલ્મમાં લવ જેહાદનું પ્રમોશન કરવામાં આવ્યું છે.

અભિનેતા ફરહાને અભિનેત્રીને એવું કહીને માંસ ખાવા માટે ઉશ્કેરી કે ભગવાન શ્રી રામ પણ માંસ ખાનારા હતા. તેણે એ પણ કહ્યું કે ફિલ્મમાં અભિનેત્રીના પિતા મંદિરના પૂજારી છે. જે ભગવાન વિષ્ણુને પણ પ્રસાદ ચડાવે છે. પરંતુ ફિલ્મમાં તેની પુત્રીને માંસ રાંધવા, એક મુસ્લિમ સાથે પ્રેમમાં પડવા, રમઝાન ઈફ્તાર માટે જવાનું અને નમાઝ અદા કરતી બતાવવામાં આવી છે.

નિર્માતાઓ ઉપર આ આરોપ લગાવવામાં આવ્યા
પોતાની ફરિયાદની તસવીરો શેર કરતાં નેતાએ કહ્યું કે, ‘નેટફ્લિક્સ ઈન્ડિયા અને ઝી સ્ટુડિયોએ જાણીજોઈને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આ ફિલ્મ બનાવી છે અને તેને પ્રાણ પ્રતિષ્ઠાની આસપાસ રિલીઝ કરી છે. હું મુંબઈ પોલીસ અને મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તેઓ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ આ વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરે. તેઓએ ‘અન્નપૂર્ણાની’ના દિગ્દર્શક નિલેશ કૃષ્ણા, અભિનેત્રી નયનતારા, નિર્માતા જતિન સેઠી, આર રવિેન્દ્રન અને પુનિત ગોએન્કા, ઝી સ્ટુડિયોના ચીફ બિઝનેસ ઓફિસર શારિક પટેલ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. જો કે હજુ સુધી મેકર્સ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે ફરિયાદનો જવાબ આપ્યો નથી.

Most Popular

To Top