National

NEET પેપર લીકના વિરોધમાં શિક્ષણ મંત્રીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર NSUI સામે FIR

નવી દિલ્હી: NEET પેપર લીકને (NEET Paper Leak) લઈને દેશભરમાં વિદ્યાર્થીઓનો (Students) વિરોધ (Opposition) જોવા મળી રહ્યો છે. તેમજ આ મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પણ પહોંચ્યો હતો. ત્યારે NEET પેપર લીક મુદ્દે વિરોધ દર્શાવતા ગઇકાલે કોંગ્રેસની વિદ્યાર્થી વિંગ NSUI ના કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે દિલ્હી પોલીસે આ મામલે NSUI કાર્યકરો વિરુદ્ધ FIR નોંધી હતી.

NSUIના વિદ્યાર્થી નેતાઓ ઉપર નવી દિલ્હીમાં લાગુ કલમ 144નું ઉલ્લંઘન કરવાનો અને પરવાનગી વિના કુશક રોડ પર વિરોધ કરવાનો આરોપ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કુશક રોડ પર કોઠી નંબર 19માં રહે છે. તેમજ NSUIના આ તમામ વિદ્યાર્થી નેતાઓ NEET પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રીના ઘરની બહાર વિરોધ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે આ તમામ સામે કલમ 188 હેઠળ કેસ નોંધ્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ નારા લગાવીને જંતર-મંતર ખાતે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે પોલીસે NSUI કાર્યકર્તા હની બગ્ગા, રાજવર્ધન અને અન્યો સામે કેસ નોંધ્યો હતો.

NEET કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે: શિક્ષણ મંત્રી
NEET પરીક્ષાને લઈને થયેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે સરકાર ઉમેદવારોના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તે વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગે છે કે તેમની તમામ ચિંતાઓને ન્યાયી અને સમાનતા સાથે પૂર્ણ કરવામાં આવશે. જેથી કોઈ વિદ્યાર્થીને નુકસાન નહીં થાય અને કોઈ બાળકની કારકિર્દી જોખમાય નહીં. આ સાથે જ તેમણે કહ્યું કે NEET પરીક્ષા સંબંધિત તથ્યો સુપ્રીમ કોર્ટમાં છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે જરૂરી તમામ પગલાં લેશે. તેમજ NEETની કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો
NEET-UG પરીક્ષામાં હેરાફેરી અને પેપર લીક થવાના આક્ષેપો થયા છે. NEETનું પરિણામ 4 જૂને બહાર આવ્યું હતું, ત્યારપછી દેશભરમાં પેપર લીકનો મુદ્દો ઉઠવા લાગ્યો હતો. જેનું કારણ એ હતું કે ઘણા કેન્દ્રો પર સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમજ તેમના માર્કસ પણ સમાન આવ્યા હતા. આ પછી, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને NEET પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે કોર્ટે પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આમ કરવું અન્યાય હશે. કોર્ટે કાઉન્સેલિંગ પ્રક્રિયા રોકવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

1,563 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને પરીક્ષા આયોજક એજન્સી NTAએ જણાવ્યું હતું કે 1,563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા. જેને રદ કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ પાસે હવે ગ્રેસ માર્ક્સ છોડી દેવાનો અથવા પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ છે. તેમજ ગ્રેસ માર્કસના કારણે જ ઘણા વિદ્યાર્થીઓને વધુ માર્કસ મળ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ આ બાબતનો જ વિરોધ કર્યો હતો. ત્યારે NTAએ કહ્યું હતું કે 23 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને 30 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે અને કાઉન્સેલિંગની તારીખ 4 જુલાઈ જ રહેશે.

NEET UGનું પરિણામ અગાઉ 14 જૂનના રોજ જાહેર થવાનું હતું, પરંતુ સમય પહેલાં જ ઉત્તરવહીની તપાસ થઇ જતા પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી બિહાર જેવા રાજ્યોમાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આક્ષેપો થયા હતા. આ આરોપોને કારણે ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. તેમજ NEET પરીક્ષા વિરુદ્ધ સાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top