નવી દિલ્હી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પાર્કલા પ્રભાકરે નારાજગી વ્યક્ત કરતાં કોરોના સંકટ અંગે મોદી સરકારની આકરી ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, સરકાર લોકોને મદદ કરવાને બદલે હેડલાઇન મેનેજમેન્ટ કરવામાં અને પોતાની પીઠ થપથપાવવામાં વ્યસ્ત છે. તેઓ યુટ્યુબ ચેનલ પર એક ઇવેન્ટમાં બોલી રહ્યા હતા. તેમણે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમના સૂચનો રચનાત્મક હતા. પરંતુ કેન્દ્રીય મંત્રીઓએ તેના વિરુદ્ધ અસભ્ય પ્રતિક્રિયા આપીને તેને રાજકીય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસ વિશ્વમાં સૌથી ઝડપી વધી રહ્યા છે. તેમજ મોતમાં પણ સતત વધારોં નોંધાઈ રહયોં છે. આ આરોગ્ય કટોકટીની સ્થિતિ છે. કેન્દ્ર સરકારની સજ્જતા અને તેમની જવાબદારીની ચકાસણી કરવાનો સમય આવી ગયો છે. તેમને પોતાના પ્રિયજનોનું મૃત્યુ પીડાદાયક લાગે છે અને અન્ય લોકોનું મોત માત્ર એક આંકડો લાગે છે.
પ્રભાકરે જણાવ્યું હતું કે, આ કટોકટીથી લોકો નોકરીથી દૂર જઇ રહ્યા છે. સારવાર માટે તેમની પાસે બચત પણ રહી નથી. મોટાભાગના લોકો આર્થિક નુકસાનમાંથી બહાર નીકળવામાં સમર્થ નથી. રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી દેશમાં લગભગ 1.80 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે, વાસ્તવિક આંકડા રજૂ કરવામાં આવી રહ્યા નથી. આ આંકડો વાસ્તવિક પરિસ્થિતિ કરતા ઘણો ઓછો છે. તેમણે જણાવ્યું હતું કે, ટેસ્ટમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે અને રસીકરણની ગતિ પણ ઘણી ઓછી છે.