National

આખરે બાબા રામદેવને હાઈકૉર્ટનું તેડું: ત્રણ સપ્તાહમાં જવાબ રજૂ કરો

નવી દિલ્હી: એલોપેથી દવા (Allopathy medicine)ઓ સામે નિવેદનો (comments by baba ramdev) કરવા બદલ અને પતંજલિની ટૂલકિટ કોવિડ-19ની સારવાર છે એવો દાવો કરવાનો આક્ષેપ કરતી અરજી પર દિલ્હી વડી અદાલતે (Delhi high court) આજે યોગગુરુ બાબા રામદેવને સમન્સ જારી કર્યું હતું પણ હાલના તબક્કે એમને અટકાવવાનો એમ કહી ઇનકાર કર્યો હતો કે એલોપેથી વ્યવસાય એટલો નાજુક નથી.

વડી અદાલતે જો કે મૌખિક રીતે રામદેવના વકીલને કહ્યું કે એમને કહો કે કોઇ પણ ઉશ્કેરણીજનક નિવેદન ન કરે. જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે રવિ નાયર બહુ સન્માનનીય વરિષ્ઠ વકીલ છે. મને ખાતરી છે કે એમના અસીલ એમને સાંભળશે. દિલ્હી મેડિકલ એસોસિયેશન (DMA) દ્વારા કરાયેલ કેસ પર વડી અદાલતે સમન્સ જારી કરીને રામદેવને ત્રણ સપ્તાહમાં જવાબ રજૂ કરવા કહ્યું હતું અને વધુ સુનાવણી (Hearing) 13મી જુલાઇએ રાખી હતી. જસ્ટિસ શંકરે કહ્યું કે કહેવાતા હાનિકારક નિવેદનો કર્યાને ખાસ્સો સમય થયો છે. વકીલ કહે છે કે રામદેવ નિવેદનો કર્યે જ રાખે છે.

આ અરજીમાં પક્ષકાર બનાવાયેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ફેસબુક અને આશા ચૅનલને પણ અદાલતે સમન્સ જારી કર્યા હતા. ડીએમએએ એના તબીબ સભ્યો વતી રજૂઆત કરી હતી કે રામદેવના નિવેદનો અસર કરે છે કેમ કે કોરોનિલ દવા કોરોના સાજો નથી કરતી અને એ ગેરમાર્ગે દોરવે છે. તેમણે નુક્સાની પ્રતીક તરીકે એક રૂપિયાની માગ કરી છે. અદાલતે કહ્યું કે કોરોનિલ ઇલાજ છે કે નહીં એ તે ન કહી શકે અને એ નિર્ણય તબીબી નિષ્ણાતોએ લેવાનો છે. જજે કહ્યું કે ડીએમએની એ દલીલ કે રામદેવ શક્તિશાળી વ્યક્તિ છે અને મોટી સંખ્યામાં અનુયાયીઓ છે એની સાથે એને લેવાદેવા નથી. રામદેવ એવી વ્યક્તિ છે જેમને એલોપેથીમાં શ્રદ્ધા નથી. તેઓ માને છે કે યોગ અને આયુર્વેદથી દરેકની સારવાર થઈ શકે. તેઓ સાચા કે ખોટા હોઇ શકે.

યોગ ગુરુ બાબા રામદેવે એલોપેથીને સ્ટુપિડ સાયન્સ ગણાવ્યો હતો ત્યારથી તેઓ ડોક્ટરોના નિશાના પર છે. કેટલાક તેની ધરપકડ માટે હાકલ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને કોરોનાના યોદ્ધા ડોક્ટરોનું અપમાન ગણાવી રહ્યા છે. આ કેસમાં બાબા રામદેવે બીજુ મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે કોઈનો બાપ પણ રામદેવની ધરપકડ કરી શકતો નથી. સોશિયલ મીડિયા પર આ વિવાદને કારણે ‘અરેસ્ટ બાબા રામદેવ’ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. જેના જવાબમાં રામદેવે ટિપ્પણી કરી હતી.

Most Popular

To Top