National

FIMA દ્વારા દેશભરમાં OPD સેવાઓ બંધ, મહિલા ડૉક્ટરની હત્યાનો વિરોધ જારી

નવી દિલ્હી: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FIMA) એ આજે ​​એટલે કે 13 ઓગસ્ટે દેશભરમાં ઓપીડી સેવાઓ (OPD services) બંધ રાખવાની જાહેરાત કરી છે. અસલમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ મહિલા તાલીમાર્થી ડૉક્ટરની જાતીય સતામણી અને હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે ઓપીડી સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ જ છે. ત્યારે તબીબોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તો બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ આ મામલે અગાઉ કહ્યું હતું કે જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ મુખ્યમંત્રીના આ નિવેદન બાદ પણ આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્હો છે. તેમજ ડોક્ટરોના આ વિરોધને કારણે દિલ્હી, યુપી, એમપી અને મહારાષ્ટ્રમાં સારવાર સંબંધિત સુવિધાઓ પ્રભાવિત થઈ છે.

વિસ્તૃત માહિતી મુજબ કોલકાતામાં મહિલા ડૉક્ટરની હત્યા બાદ દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખ્યો હતી. હાલ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાએ જોર પકડ્યું છે. આ સંદર્ભમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર પાસે એક પત્ર દ્વારા તેમની ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. IMAએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને પત્ર લખીને અપરાધને શક્ય બનાવનાર પરિસ્થિતિઓની વિગતવાર તપાસ સહિત દરેક કર્મચારીઓની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓની સલામતી સુધારવા માટે પગલાં લેવાની માંગ કરી છે.

જુનિયર ડોક્ટરોએ કહ્યું- મુખ્યમંત્રીએ સાત દિવસની મર્યાદા કેમ નક્કી કરી?
RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડૉક્ટરોએ સોમવારે સવાલો ઉઠાવ્યા હતા કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર-હત્યાના કેસને ઉકેલવા માટે સાત દિવસની સમયમર્યાદા શા માટે નક્કી કરી છે. તેઓએ કહ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મુખ્ય ત્રણ માંગણીઓ શું છે?
IMA એ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારને નીચેની માંગણીઓ કરી છે, જેમાં પ્રથમ માંગણી એ છે કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને સજા મળવી જોઈએ. બીજી માંગ એ છે કે કયા સંજોગોમાં ગુનો શક્ય બન્યો તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. ત્રીજી માંગ એ છે કે કાર્યસ્થળ પર ડોકટરો, ખાસ કરીને મહિલાઓની સલામતી સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

આ ઘટના શુક્રવારે 9 ઓગસ્ટના રોજ પ્રકાશમાં આવી હતી.
આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં એક જુનિયર ડૉક્ટર સામેની ક્રૂરતા શુક્રવારે સવારે પ્રકાશમાં આવી જ્યારે મેડિકલ કોલેજના ચોથા માળના સેમિનાર હોલમાંથી અર્ધ નગ્ન અવસ્થામાં તાલિમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી મૃતકનો મોબાઈલ ફોન અને લેપટોપ પણ મળી આવ્યો હતો. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહિલા ડૉક્ટર સાથે બળાત્કારની ઘટના બની હતી. જુનિયર મહિલા ડોક્ટરની લાશ ગાદલા પર પડી હતી અને ગાદલા પર લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા.

Most Popular

To Top