ગયા મહિને ફિલ્મ ‘થલાઇવી’ ઓટીટી પર રજૂ થવાની હોવાની વાતને કંગનાએ અફવા ગણાવી હતી અને થિયેટરમાં જ રજૂ કરવાની વાત દોહરાવી હતી. એટલું જ નહીં એમ કહ્યું હતું કે કોરોનાકાળમાં બીજા નિર્માતાઓ અને મોટા હીરો છુપાઇ રહ્યા છે ત્યારે પોતે બોલિવૂડને બચાવવા રૂ.100 કરોડની ફિલ્મ ‘થલાઇવી’ થિયેટરોમાં લાવી રહી છે.
જોકે, ‘થલાઇ વી’ ને ૨૩ મી એપ્રિલે થિયેટરોમાં રજૂ કરવાની જાહેરાત થયા પછી કોરોનાની બીજી લહેરને કારણે રજૂઆત મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે કંગનાએ એવો ખુલાસો કર્યો હતો કે ફિલ્મના ડિજિટલ પ્રસારણના અધિકાર અમેઝોન(તમિલ) અને નેટફ્લિક્સ (હિન્દી)ને વેચવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ થિયેટરોમાં રજૂ થયા પછી અમુક સમય બાદ તેનું પ્રસારણ તેઓ કરી શકશે. અલબત્ત કંગનાને ડિજિટલ પ્લેટફોર્મ માટે ફિલ્મ બનાવવામાં કોઇ વાંધો નથી. તેણે નિર્માત્રી તરીકેની પહેલી ડિજિટલ ફિલ્મ ‘ટીકૂ વેડસ શેરુ’ ની જાહેરાત કરી દીધી છે. હવે કંગના કદાચ અંગત રીતે એવું માને છે કે ડિજિટલ પર સારી તક છે અને એટલે જ અત્યારે થિયેટર માટે ફિલ્મ બનાવવાને બદલે ડિજિટલમાં નિર્માત્રી તરીકે ફિલ્મની શરૂઆત કરી રહી છે.
કંગનાએ પોતાની ડિજિટલ ફિલ્મની જાહેરાત કરતાં કહ્યું હતું કે નિયમિત રીતે થિયેટરોમાં જનારા દર્શકો કરતાં ડિજિટલ પ્લેટફોર્મના દર્શકોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે. પોતાના ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ ના બેનર હેઠળની પહેલી ડિજિટલ ફિલ્મનું નામ ‘ટીકૂ વેડસ શેરુ’ રાખવા પાછળ કંગનાની હિટ ફિલ્મ ‘તનુ વેડસ મનુ’ ની સફળતા ગણાય છે. આ ફિલ્મમાં પણ એક પ્રેમકહાની છે અને ડાર્ક હ્યુમર છે. કંગનાએ પોતાની કંપની દ્વારા નવોદિતોને તક આપવાની અને આજના જમાનાને અનુરૂપ ફિલ્મો બનાવવાની વાત કરી છે. કંગનાએ ગયા મહિને ફિલ્મોમાં પંદર વર્ષ પૂરાં કર્યાં ત્યારે પોતાની કારકિર્દીની સફળતાની સરખામણી શાહરૂખ ખાન સાથે કરીને ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કર્યો હતો. તેનું કહેવું હતું કે શાહરૂખ મહાનગરમાંથી આવ્યો હતો અને તેનો પરિવાર ફિલ્મજગત સાથે સંકળાયેલો હતો. જ્યારે પોતે એક નાના ગામમાંથી આવી હતી અને ‘ગેંગસ્ટર’ ફિલ્મથી શરૂઆત કરી હતી. કંગના અભિનય સાથે નિર્માણમાં આગળ આવી રહી છે પરંતુ હજુ પોતે ડિજિટલ પર અભિનય કરવા મન બનાવ્યું નથી. જ્યારે બીજી અભિનેત્રીઓ સમય પ્રમાણે પોતાના વિચાર બદલી રહી છે.
સંજય લીલા ભણશાલીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માં કામ કર્યા પછી આલિયા ભટ્ટ તેમની વેબસીરિઝ ‘હીરા મંડી’ માં કામ કરવાની હોવાની ખબર છે ત્યારે સોનાક્ષી સિંહાએ તો માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. સોનાક્ષીએ ઝોયા અખ્તરની વેબસીરિઝ ‘ફૉલેન’ માં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યા પછી ‘ટૉઇલેટ: એક પ્રેમકથા’ ના નિર્દેશક શ્રીનારાયણ સિંહની વેબ ફિલ્મ ‘બુલબુલ તરંગ’ માં કામ સ્વીકાર્યું છે. જેમાં સોનાક્ષી દહેજની કુપ્રથા બદલવા લડતી નાના શહેરની એક બિંદાસ છોકરીની ભૂમિકામાં દેખાશે. સોનાક્ષીને આ વ્યંગાત્મક સામાજિક ડ્રામા ફિલ્મની સ્ક્રીપ્ટ એટલી પસંદ આવી કે તરત જ હા પાડી દીધી. તેની અજય દેવગન સાથેની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘ભૂજ:ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ પણ ઓગસ્ટમાં ઓટીટી પર રજૂ થવાની છે. એ જોતાં એમ કહી શકાય કે થિયેટર માટેની કોઇ ફિલ્મમાં અત્યારે તે કામ કરી રહી નથી. હવે પછીની ફિલ્મોમાં તે અલગ રૂપમાં જ જોવા મળશે. તાજેતરમાં મુંબઇમાં લૉકડાઉન દરમ્યાન સોનાક્ષીએ પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપ્યું હતું. તેણે પોતાના વજનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર પોતે ‘વર્કઆઉટ ફ્રોમ હોમ’ કરતી હોવાની તસવીરો મૂકી છે. એમાં તેને ઓળખવી મુશ્કેલ થાય એટલી પાતળી અને ફિટ લાગી રહી છે.
ઓટોગ્રાફ!
કંગના આજકાલ રાજકારણ વિશે પોતાનો મત વધુ વ્યક્ત કરવા લાગી છે. તેણે પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામો અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. (કંગના, જયલલિતાની બાયોપિક ‘થલાઇવી’ માં કામ શરૂ કર્યા પછી તું રાજકારણ વિશે વધુ અભિપ્રાય આપી રહી છે. ફિલ્મ રજૂ થાય ત્યાં સુધી જ તારા અભિપ્રાય જાણવા મળતા રહેશે ને?!)