બોલિવૂડની નવી ફિલ્મોની રજૂઆત મોકૂફ રહ્યા પછી તેને ઓટીટી પર રજૂ કરવાની ઉતાવળ કરવામાં આવી રહી નથી. ઓટીટી પર અભિષેકની ‘ધ બિગ બુલ’ ને સારો આવકાર મળ્યા પછી પણ ‘અજીબ દાસ્તાન્સ’, ‘રાત બાકી હૈ’ જેવી નાના બજેટની ફિલ્મો જ રજૂ થઇ રહી છે. નવાઇની વાત એ છે કે ઓટીટી પ્લેટફોર્મ પર હિન્દી કરતાં અંગ્રેજી અને દક્ષિણની ફિલ્મો વધુ રજૂ કરવામાં આવી રહી છે.
‘નેટફ્લિક્સ’ ની એપ્રિલ માસમાં રજૂ થનારી ફિલ્મોની યાદીમાં કુલ ચૌદમાંથી બે, ‘હોટસ્ટાર’ની સાતમાંથી એક અને ‘અમેઝોન પ્રાઇમ’ ની નવમાંથી એક જ હિન્દી ફિલ્મ છે. એમાં મોટા સ્ટાર્સની એક પણ ફિલ્મ નથી. થિયેટરોમાં રજૂઆત બંધ જેવી થઇ ગઇ છે અને ઓટીટી પર ભાવ પૂછાતો નથી. હિન્દી ફિલ્મો માટે અત્યારે બધી જ રીતે ખરાબ સમય ચાલી રહ્યો છે. એક માત્ર ફરહાન અખ્તરની ‘તૂફાન’ ને ૨૧ મી મેના રોજ ઓટીટી પર રજૂ કરવાની જાહેરાત થઇ છે. અજય દેવગન પોતાની ‘ભૂજ: પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ને ઓટીટી પર રજૂ કરવાનો હોવા છતાં તેની તારીખ જાહેર કરી શક્યો નથી. ફિલ્મને આઇપીએલ ક્રિકેટ મેચ દરમ્યાન રજૂ કરવાનું આયોજન હતું પરંતુ પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું થયું ન હોવાથી ઇદ પર રજૂ થઇ શકે છે કેમ કે કોરોનાને કારણે સલમાનની ‘રાધે’ કે જૉનની ‘સત્યમેવ જયતે ૨’ રજૂ થઇ શકે એમ નથી.
અત્યારે ફિલ્મોની રજૂઆતને બદલે ફિલ્મ કલાકારો કોરોનાથી સંક્રમિત કે મુક્ત થયાના સમાચાર વધારે આવી રહ્યા છે. અક્ષયકુમાર, કેટરિના કૈફ, વિકી કૌશલ વગેરે કોરોનામુક્ત થઇ ગયાં છે ત્યારે સોનુ સુદ, અર્જુન રામપાલ, સમીરા રેડ્ડી વગેરે સંક્રમિત થયાં છે. વળી મુંબઇમાં પંદર દિવસ માટે શૂટિંગ કરવા પર રોક લાગી ગઇ હોવાથી કલાકારોએ આમ પણ ઘરે બેસવાનો વખત આવ્યો છે. જો કે, પ્રભાસની એક ફિલ્મ માટે નિર્દેશકે એ વાતનો લાભ લીધો છે. અમિતાભની ‘ગુડબાય’, દીપિકાની ‘પઠાન’ અને પ્રભાસની ‘આદિપુરુષ’ નું મુંબઇમાં શૂટિંગ બંધ રહ્યું હોવાથી આ ત્રણ કલાકારોને ફિલ્મ ‘પ્રભાસ ૨૧’ માટે હૈદરાબાદ બોલાવવામાં આવી રહ્યા છે. દેઓલ પરિવારની ‘અપને ૨’ નું શુટિંગ હવે ત્રણ મહિના પછી શરૂ કરવાનો નિર્દેશક અનિલ શર્માએ નિર્ણય કર્યો છે. આલિયા ભટ્ટને કોરોના થયા પછી નિર્દેશક પણ સંક્રમિત થતાં તેની ‘ડાર્લિંગ્સ’ નું શૂટિંગ અટકી ગયું છે. અક્ષયકુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ ની બધી તૈયારી થઇ ચૂકી હતી. એનું શૂટિંગ પણ અટકી ગયું છે. કેટલાક કલાકારોએ વળી આગામી સમયમાં ફિલ્મો મળવાની શક્યતા ન હોવાથી ઓટીટી પ્લેટફોર્મ પર વેબસીરિઝમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. એમાં અક્ષય ખન્ના- રવિના ટંડનની ‘લેગસી’ મુખ્ય છે. નવી ફિલ્મોની જાહેરાત જરૂર થઇ રહી છે.
કોરોના પર કાબૂ આવી ગયા પછી આ ફિલ્મોના શૂટિંગ શરૂ થઇ શકે છે. અગાઉ ‘ગજની’ અને ‘હોલિડે’ પછી એ.આર. મુર્ગદોસની નવી ફિલ્મ ‘૧૯૪૭’ ની જાહેરાત થઇ છે. વિપુલ શાહે ‘કમાન્ડો ૪’ બનાવવાની જાહેરાત કરી છે, પરંતુ એમાં વિદ્યુત જામવાલ ફરી હશે કે નહીં એની સ્પષ્ટતા કરી નથી. ત્યારે ફિલ્મ ‘કમાન્ડો’ ની સીરિઝથી જાણીતો થયેલો વિદ્યુત જામવાલ હવે નિર્માતા પણ બની ગયો છે. તેણે અભિનયમાં દસ વર્ષ પૂરાં કર્યાં એ પ્રસંગે ‘એક્શન હીરો ફિલ્મ્સ’ નામની નિર્માણ કંપનીની સ્થાપના કરી છે. એકશનમાં પ્રતિભા બતાવનાર વિદ્યુતનો ઇરાદો આ બેનર હેઠળ માત્ર એક્શન ફિલ્મો બનાવવાનો નથી. નવા કલાકારો સાથેની તેની પહેલી ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. અજય દેવગને પણ નિર્માતા તરીકે કોમેડી- ડ્રામા ફિલ્મ ‘ગોબર’ બનાવવાની જાહેરાત કરી છે.
આ ફિલ્મમાં એક સામાન્ય માણસની વીરતાની વાર્તા બતાવવામાં આવશે. અજયની ‘થેન્ક ગોડ’ નું શૂટિંગ અટકી ગયું છે, પરંતુ ‘મેદાન’ ને પૂરી કરવા તે ઝૂમ કોલ પર મીટિંગો કરી રહ્યો છે. તેની ‘મે-ડે’ અટકી હોવાથી બીજા કયા દેશમાં શૂટિંગ થઇ શકે તેની શક્યતા તપાસી રહ્યો છે. સલમાન ખાને આવતા વર્ષે ઇદ પર રજૂ કરવા ધારેલી ‘ટાઇગર ૩’ ના છેલ્લા શિડ્યુલના ફિલ્માંકન માટે રશિયા જવાનું નક્કી કર્યું છે.