મુંબઈ: છેલ્લાં કેટલાક સમયથી હિન્દી સિનેમા ઠપ પડી ગઈ હોય તેવી સ્થતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ વર્ષ 2022માં ભૂલ ભૂલૈયા-2 પછી કોઈ પણ ફિલ્મને (Film) દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો. બાયકોટના ટ્રેન્ડ (Trend) અંગે આલિયા ભટ્ટે નિવેદન આપ્યા પછી સવાલ ઉભો થયો હતો કે તેઓની ફિલ્મ બ્રહ્માસ્ત્રને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળશે. તો જણાવી દઈએ કે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલિઝ થયેલ થયેલ આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મે 100 કરોડના કલબમાં પણ એન્ટ્રી મારી દીધી છે. આ સાથે જાણકારી મળી આવી છે કે મોટે ભાગે તમામ શહેરોમાં આ મૂવિના તમામ શો હાઉસફૂલ થઈ ચૂકયા છે.
શુક્રવારે રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ બે દિવસથી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 36.42 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારે શનિવારે તેનું ભારતમાં કલેક્શન 41.36 રહ્યું હતું. માત્ર હિન્દી ભાષામાં આ ફિલ્મે શુક્રવારે 32 કરોડ અને શનિવારે 38 કરોડની કમાણી કરી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ સમગ્ર ભારતમાં રિલીઝ થઈ છે. હિન્દીની સાથે ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થઈ છે. હિન્દીમાં KGF2 અને RRR જેવી ફિલ્મોની જબરદસ્ત સફળતા પછી, દરેકની નજર બોલિવૂડમાં બનેલા ‘બ્રહ્માસ્ત્ર’ સાઉથ કલેક્શન પર હતી. બોક્સ ઓફિસના ઓપનિંગ કલેક્શન પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ‘બ્રહ્માસ્ત્ર તેલુગુ’ને તેલુગુમાં જોરદાર શરૂઆત મળી છે. ફિલ્મે આંધ્ર પ્રદેશ/તેલુગુ સર્કિટ (AP/TG)માં બોક્સ ઓફિસ કલેક્શનના પ્રથમ દિવસે હિન્દી ફિલ્મો માટે રેકોર્ડ બનાવ્યો હતો.
ફિલ્મના નિર્માતાઓ માટે વધુ ખુશીની વાત એ છે કે તેની કમાણી કર્ણાટક અને તમિલનાડુમાં પણ વધી છે. ‘બ્રહ્માસ્ત્ર’એ શનિવારે તમિલનાડુમાં 1.90 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું. આમાં સૌથી વધુ હિસ્સો ફિલ્મના તમિલ વર્ઝનનો છે, જેણે તમિલનાડુમાં 1.20 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. ‘બ્રહ્માસ્ત્ર’ના હિન્દી સંસ્કરણે પણ રાજ્યમાં 68 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ‘બ્રહ્માસ્ત્ર’નું સાઉથ પર્ફોર્મન્સ બોલિવૂડની આગામી અખિલ ભારતીય ફિલ્મો માટે સારો સંકેત છે. શાહરૂખ ખાનની ‘પઠાણ’ ‘જવાન’, સલમાન ખાનની ‘ટાઈગર 3’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ જેવી ફિલ્મો સમગ્ર ભારતમાં રિલીઝ થશે. ‘બ્રહ્માસ્ત્ર’ જેવી મિશ્ર સમીક્ષાવાળી ફિલ્મ દક્ષિણમાં સારો દેખાવ કરી રહી છે.
મળતી માહિતી મુજબ 21 વર્ષ અગાઉ સવારે 6 વાગ્યાથી ‘ગદર’ ફિલ્મના શો શરૂ થતા હતા. તો બીજી તરફબ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે મુંબઈમાં શોનો ટાઈમ સવારે 8 વાગ્યાથી કરવામાં આવ્યો છે.