દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર માત્ર 52 દિવસના અંતરે ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. બપોરના સમયે લાગેલી આ આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ અને તેના કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાયા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. વેસુ, વીઆઈપી રોડ અને અલથાણ જેવા વિસ્તારોમાં રહેતા લોકોને રસ્તા પરથી જ આ ધુમાડો નજરે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. આગની તીવ્રતા એટલી વધારે છે કે તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, આ જ ડમ્પિંગ સાઈટ પર અગાઉ પણ આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા ફાયર વિભાગને ચાર દિવસ જેટલો સમય લાગ્યો હતો. ત્યારે પણ કચરાના યોગ્ય સંચાલન અને નિકાલ અંગે પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે ફરી ટૂંકા ગાળામાં આવી ઘટના બનતા તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કચરાના પ્રોસેસિંગ અને નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં વારંવાર લાગતી આગને લઈને શંકા વ્યક્ત થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ક્યાંક કચરાના નિકાલમાં ગેરરીતિઓ છુપાવવા માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે કે નહીં. સતત બીજીવાર બનેલી આ ઘટનાને કારણે ‘કચરા કૌભાંડ’ના આક્ષેપો ફરી ગાજે તેવી શક્યતા વધી ગઈ છે, જ્યારે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.