National

સરાઈકેલામાં બે માલગાડીઓ વચ્ચે ભીષણ ટક્કર, અનેક ડબ્બા પાટા પરથી ઉતર્યા

ઝારખંડના સરાઈકેલામાં આજ રોજ શનિવારે વહેલી સવારે ચાંદિલ જંકશન સ્ટેશન નજીક બે માલગાડીઓ વચ્ચે ભીષણ ટક્કર થઈ, જેના કારણે બંને ટ્રેનોના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના સવારે લગભગ 4 વાગ્યેની આસપાસ બની હતી.

માહિતી મુજબ, ટાટાનગરથી પુરુલિયા જઈ રહેલી લોખંડ ભરેલી માલગાડી ચાંદિલ સ્ટેશન પાર કર્યા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. એ દરમિયાન વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બીજી માલગાડીના ડબ્બા સાથે તેની ટક્કર થઈ. ટક્કરની અસરથી બીજી ટ્રેનના પણ ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

ઘટના બાદ મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે આ, અકસ્માતના કારણો હજી સ્પષ્ટ થયા નથી અને રેલ્વે અધિકારીઓ આગળની તપાસ કરી રહ્યા છે.

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આજ રોજ વહેલી સવારે ચાંદિલ સ્ટેશન પાર કરીને જતી માલગાડીમાંથી અચાનક જોરદાર અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળીને લોકો ઘટના સ્થળ તરફ દોડી આવ્યા. આ અકસ્માત પિટકી રેલ્વે ફાટક અને ચાંદિલ સ્ટેશન વચ્ચે બન્યો હતો.

સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો માલગાડીના બદલે પેસેન્જર ટ્રેન સામેલ હોત તો નુકસાન ઘણું ગંભીર થઈ શક્યું હોત. હાલ રેલ્વે અધિકારીઓ પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવવાની કામગીરીમાં લાગ્યા છે અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

ક્રૂને સામાન્ય ઇજાઓ, લાઇન બંધ: આ અકસ્માતમાં બંને માલગાડીઓના કેટલાક ક્રૂ સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

આ અકસ્માતને કારણે ચાંદિલ-મુરી રેલ્વે લાઇન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. રેલ્વેએ કટોકટી વ્યવસ્થા અમલમાં મૂકી છે અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કરી દીધું છે.

લગભગ 20 ટ્રેનોના સંચાલનને અસર થઈ: આ અકસ્માતને કારણે કુલ 10 જેટલી ટ્રેનો રદ કરવી પડી હતી, જ્યારે 20 જેટલી ટ્રેનોને અસર થઈ હતી. રદ કરાયેલી ટ્રેનોમાં શાલીમાર-તંબરમ એક્સપ્રેસ, બક્સર-ટાટા એક્સપ્રેસ, દુર્ગ-આરા દક્ષિણ બિહાર એક્સપ્રેસ, પટના-ટાટા વંદે ભારત, ભુવનેશ્વર-આનંદ વિહાર વીકલી, ટાટા-કટિહાર, અમૃતસર-ટાટા, પુરી-આનંદ વિહાર, ઝારગ્રામ-પુરુલિયા મેમુ અને ટાટા-આસનસોલ ટ્રેનનો સમાવેશ થાય છે.

Most Popular

To Top