સુરત: સુરતમાં (Surat) પાંડેસરા (Pandesara) તેમજ લિંબાયતની ખાનગી હોસ્પિટલોમાં (Hospital) કૂખમાં જ પુત્રીઓનું લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા (Murder) કરીને ફેંકવા માટે અલગ અલગ રેકેટ બહાર આવ્યાં છે. સરકારનું બેટી બચાવો બેટી પઢાવો આંદોલનની સામે જે ગોરખ ઘંઘા કરવામાં આવે તે ખૂબ જ શરમજનક ઘટના છે. આ માટે ડોકટરો તરફથી અલગ અલગ તપાસ માટે અલગ અલગ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જાણવા મળ્યા મુજબ ડૉક્ટર સાથે તેઓના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. એજન્ટો પુત્રી ના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે છે. જેમાં તેઓ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરે છે. ચર્ચા છે કે સુરતની જ બે મહિલા ડોકટરનું નામ આ કાવતરા પાછળ ખૂલ્યું છે.
મળતી માહિતી મુજબ મહિલાના ગર્ભપરીક્ષણ માટે હોસ્પિટલનો સ્ટાફ તે મહિલાને કોઈ અજાણા સ્થળે લઈ જાય છે. ઘણીવાર મહિલાનો પતિ પણ આ બાબતથી અજાણ હોય છે તો કોઈક કિસ્સામાં પતિ-પત્નીની મીલીભગત હોય છે. જે માતા પિતાને પુત્રીની ઇચ્છા નથી તો ગર્ભ પરીક્ષણથી લઇને ગર્ભપાત કરાવવા સુધીની જવાબદારી હોસ્પિટલ લઇ લે છે. ગર્ભ પરીક્ષણ, ગર્ભપાત તેમજ ભ્રૂણને ફેંકવા સુઘીની તમામ જવાબદારી હોસ્પિટલના સ્ટાફની હોય છે. આ સામે હત્યા કરાવનાર અમુક રકમ ચુકવે છે. હોસ્પિટલે નકકી કર્યા મુજબ 8 હજારમાં ગર્ભ પરીક્ષણ, 20 હજારમાં ગર્ભપાત અને 25 હજાર રૂપિયામાં ભ્રૂણ ફેંકવાનો સોદો કરવામાં આવે છે.
મળતી માહિતી મુજબ રાજ્યભરમાં દર વર્ષે આશરે 15 થી 20 પુત્રીઓની ભ્રુણમાં હત્યા કરી તે ભ્રૂણને ફેંકી દેવામાં આવે છે. આ ઉપરાંત દલાલોને પણ આ કામ માટે કમિશન આપવામાં આવે છે. વર્ષ 2021-2022માં અત્યાર સુધીમાં લગભગ 20 નવજાત શિશુઓ સડક અથવા કચરામાંથી મળી આવ્યા છે. જેમાંથી 14 બાળકી તેમજ 6 છોકરા હતા.