મહારાષ્ટ્રના સતારામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનામાં એક 26 વર્ષીય મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી છે. મૃતક ડૉ. સંપદાએ પોતાના હાથ પર સુસાઇડ નોટ લખી છે. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર પર વારંવાર બળાત્કાર કરવાનો અને સતત માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ નોટ બહાર આવ્યા બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ડૉ. સંપદા સતારાના ફલટણ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ચાર પાનાની સુસાઇડ નોટ જપ્ત કરી છે. નોટમાં ડૉક્ટરે લખ્યું છે કે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બડનેએ ચાર વખત બળાત્કાર કર્યો હતો અને પાંચ મહિનાથી વધુ સમયથી તેને માનસિક તથા શારીરિક રીતે હેરાન કરી હતી.
તેણે એમ પણ લખ્યું હતું કે કેટલાક પોલીસ અધિકારીઓ અને એક સાંસદ સહિતના લોકો કેસના આરોપીઓને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે તેના પર દબાણ કરી રહ્યા હતા. જ્યારે તેણીએ ઇનકાર કર્યો. ત્યારથી તેને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
ડૉ. સંપદા છેલ્લાં બે વર્ષથી ફલટણ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી અને તેનો બોન્ડ પિરિયડ પૂરો થવામાં ફક્ત એક મહિનો બાકી હતો. તે અનુસ્નાતક ડિગ્રી મેળવવા માંગતી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સંપદા અને આરોપી PSI ગોપાલ બડને બંને બીડ જિલ્લાના રહેવાસી હતા અને બંજારા સમાજના હતા. આરોપી પોલીસકર્મી અગાઉ ફલટણ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને પછી વિભાગીય પરીક્ષા પાસ કરીને PSI બન્યો હતો.
પોલીસ હાલમાં આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. શરૂઆતની તપાસમાં પોલીસને આત્મહત્યા અંગે શંકા છે. કારણ કે ખૂબ જ શિક્ષિત ડૉક્ટરે હાથ પર લખેલી નોટ વિશે પ્રશ્નો ઊભા થયા છે. ફોરેન્સિક અને હસ્તલિખિત નિષ્ણાતોની મદદથી નોટની સત્યતા ચકાસવામાં આવી રહી છે. હોટલનો DVR ફૂટેજ પણ એકત્રિત કરીને તપાસ ચાલુ છે.
મૃતક ડોક્ટરના કાકાએ જણાવ્યું કે સંપદાએ અગાઉ પણ જણાવ્યું હતું કે તેના પર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવા માટે દબાણ કરવામાં આવે છે અને જો આ દબાણ ચાલુ રહેશે તો તે આત્મહત્યા કરશે. “તે કહેતી હતી કે તે આ માનસિક તણાવ સહન કરી શકશે નહીં,”
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય મહિલા આયોગે કેસની નોંધ લીધી છે. સતારાના પોલીસ અધિક્ષકને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાનો અને સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આયોગે કહ્યું છે કે જો પીડિતાએ અગાઉ ઉત્પીડન અંગે ફરિયાદ નોંધાવી હોય તો સમયસર કાર્યવાહી ન થવાના કારણોની પણ તપાસ કરાશે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે.
ભારતીય દંડ સંહિતાની કલમ 64(2)(N) અને 108 હેઠળ ફલટણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. હાલ આરોપી PSI ગોપાલ બડને અને અન્ય સંકળાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
આ દુખદ ઘટનાએ રાજ્યમાં મહિલા સલામતી, પોલીસ તંત્રની જવાબદારી અને ન્યાયિક પ્રણાલી પ્રત્યે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.