Gujarat

ભવિષ્યમાં આદિવાસીઓના સમાવેશનો ભય : ચૈતર વસાવા

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા બિલ લઈને આવવામાં આવી રહ્યું છે, આ બિલમાંથી આદિવાસી સમાજની બાદબાકી કરવામાં આવી છે, એવું અમને જણાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ અમને ભીતિ છે કે હાલમાં ચૂંટણી છે માટે આદિવાસી સમાજને સમાવવામાં આવ્યો નથી પરંતુ આવનાર દિવસોમાં ચોક્કસ સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે. તેવું આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાચતીતમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર ફક્ત લઘુમતી સમુદાયોને ટાર્ગેટ કરીને આવનારી ચૂંટણીઓમાં હિન્દુ-મુસ્લિમ કરવા માટે આ બિલ લાવી રહી હશે, એવું અમને લાગી રહ્યું છે.

ચૈતર વસાવાએ વધુમાં કહ્યું હતુ કે આજથી એક વર્ષ પહેલા સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય ધાર્મિક સહિત તમામ પ્રકારના આગેવાનોના અભિપ્રાય લેવા માટે આવી હતી ત્યારે ગુજરાતમાં 80% લોકોએ આનો વિરોધ નોંધાવ્યો છે. માટે અમારું માનવું છે કે લોકમતના વિરુદ્ધમાં જઈને આ બિલ લાવવામાં આવી રહ્યું છે માટે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે શું આ બિલ લાવવાથી સામાજિક સમરસતા થઈ જશે? શું આ બિલ લાવવાથી રાષ્ટ્રીય ભાવના મજબૂત બનશે? તો હકીકતમાં સરકાર પાસે આ સવાલોના જવાબ નથી.

આ દેશનું બંધારણ બન્યું તો એમાં બાળ લગ્ન ધારા છે, હિન્દુ મેરેજ એક્ટ છે, વારસાઈ ધારો છે અને દત્તક ધારો પણ છે તો પછી સમાન નાગરિક સંહિતા લાવવાની જરૂરત શું પડી? આપણા દેશમાં વિવિધતામાં એકતા એ જ આપણી ઓળખ છે અને બંધારણ તમામ જાતિ જ્ઞાતિ, બધા લોકોના પોતાના વ્યક્તિગત કાયદા, સામાજિક કાયદાને બંધારણે પ્રાવધાન આપ્યું છે, મૂળભૂત અધિકારોમાં પણ પ્રાવધાન આપ્યું છે. તો આ સમાન નાગરિક ધારો લાવવાથી ચોક્કસ જ્ઞાતિઓને ટાર્ગેટ કરવામાં આવશે અને લોકોને લગ્ન નોંધણીના નામે, લીવ-ઈન રિલેશનશિપની નોંધણીના નામે અને છૂટાછેડા માટે કોર્ટમાં લાઈનો લગાડવી પડશે.

Most Popular

To Top