પરિવાર પર તૂટી પડ્યું દુઃખનું વાદળ, વિસ્તારમાં શોક
સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં પરિવારનું ગુજરાન ચલાવતા એક પિતાએ પોતાના ઘરે જીવલેણ પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાને પગલે પરિવારજનો સહિત આસપાસના લોકોમાં પણ ભારે વ્યથા અને આઘાતની લાગણી જોવા મળી રહી છે.
ઉધના પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ , ઉધનાના કૈલાશનગર વિસ્તારમાં આવેલ ઉજવેલેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા આશિષકુમાર નામના વ્યક્તિએ ગઈકાલે મોડી રાત્રે અંદાજે 11:30 વાગ્યાના આસપાસ પોતાના નિવાસસ્થાને આ ગંભીર પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આશિષકુમાર સ્થાનિક લૂમ્સના કારખાનામાં કામ કરતા હતા અને પોતાના પરિવારના મુખ્ય આધારસ્તંભ ગણાતા હતા. રોજગાર દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા આશિષકુમારના અચાનક પગલાંથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પરિવારજનોને ઘટનાની જાણ થતા જ ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થળની તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ પગલા પાછળનું ચોક્કસ કારણ શું છે તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનો તેમજ આસપાસના લોકો પાસેથી માહિતી એકત્રિત કરી ઘટનાની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
આ દુખદ ઘટનાએ કૈલાશનગર વિસ્તાર સહિત ઉધના વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પાડોશીઓ અને ઓળખીતાઓ આશિષકુમારને મહેનતુ અને શાંત સ્વભાવના વ્યક્તિ તરીકે યાદ કરી રહ્યા છે. અચાનક બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે અને પરિવાર માટે આ ઘટના અત્યંત વ્યથાજનક બની છે.
પોલીસે લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની પણ અપીલ કરી છે.