Gujarat

પિતાનો 12 વર્ષની સગી પુત્રી પર બળાત્કાર, પેટમાં દુખાવો થતાં ભાંડો ફુટ્યો

અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં બાળકી સામેના અત્યંત ગંભીર ગુનાઓમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વર પંથકમાંથી સામે આવ્યો છે, જેમાં સગા પિતાએ જ પોતાની ૧૨ વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ આચરી તેને દોઢ માસની ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ જામનગરથી રોજગારી અર્થે અંકલેશ્વર વિસ્તારમાં આવેલા એક પરિવારે ભાડાના મકાનમાં વસવાટ શરૂ કર્યો હતો. પરિવારમાં ૧૨ વર્ષની સગીર બાળકી પણ રહેતી હતી. દરમિયાન ૩૫ વર્ષીય સગા પિતાની જ દીકરી ઉપર દાનત બગડતાં તેણે વારંવાર પોતાની સગી દીકરી સાથે ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અચાનક બાળકીના પેટમાં ભારે દુખાવો ઉપડતાં પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. તપાસ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનું સામે આવતાં તબીબો અને પોલીસ તંત્ર પણ ચોંકી ઊઠ્યું હતું. બાદ બાળકીની પૂછપરછ કરતાં સગા પિતા દ્વારા જ દુષ્કર્મ કરવામાં આવતું હોવાનો ભેદ ખૂલ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપી સામે બળાત્કાર તથા પોક્સો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિત બાળકી હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ સમગ્ર અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં આક્રોશ ફેલાવ્યો છે. સતત સામે આવી રહેલા આવા કિસ્સાઓને લઈને સમાજમાં સવાલો ઊઠી રહ્યા છે કે આજે ઘરમાં પણ બાળકીઓ કેટલા સુરક્ષિત છે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.

Most Popular

To Top