World

મેક્સિકો સિટીમાં ભયંકર અકસ્માત: ગેસ ટેન્કર વિસ્ફોટથી 3ના મોત, 70થી વધુ ઘાયલ

મેક્સિકો સિટીમાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક મુખ્ય હાઇવે પર ગેસ ટેન્કર અચાનક પલટી પડ્યું અને ત્યારબાદ તેમાં ભારે વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસ હાહાકાર મચી ગયો અને લોકોમાં દોડધામ શરૂ થઈ ગઈ.

મેક્સિકો સિટીના મેયર ક્લેરા બ્રુગાડાએ આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે નજીકમાં ઉભેલા 18 વાહનો આગની લપેટમાં આવી ગયા અને બળી ખાક થઈ ગયા. મેયરે આ દુર્ઘટનાને ગંભીર કટોકટી જાહેર કરી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલા 19 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ચિંતાજનક છે. બાકીના લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

શહેરના પ્રશાસને આ ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ ટેન્કર હાઇવે પર પલટી પડ્યું હતું અને ત્યારબાદ ગેસ લીક થવાથી આ વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, અધિકારીઓએ ચોક્કસ કારણ જાણવા માટે નિષ્ણાતોની ટીમ બનાવી છે.

આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. રાહત અને બચાવ દળોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. નજીકની રસ્તાઓને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે જેથી કોઈ અન્ય નુકસાન ન થાય.

મેક્સિકો સિટીના મેયરે મૃતકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના સારવાર માટે તાત્કાલિક મદદ પહોંચાડવાની ખાતરી આપી છે.

Most Popular

To Top