સુરત: સુરત શહેરના લસકાણા વિસ્તારમાં ગઢપુર વાય જંકશન નજીક સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ઝડપભેર દોડતા ટ્રકે મોપેડને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ સભ્યો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 72 વર્ષીય સરોજબેન પટેલનું મોત થયું છે, જ્યારે તેમના ભાઈ મનુભાઈ સવાણી અને 6 વર્ષીય પૌત્ર હિયાનને સામાન્ય ઇજાઓ પહોંચી છે .
મળતી વિગતો મુજબ, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામના વતની અને હાલમાં સુરતના નાના વરાછા વિસ્તારમાં નિવાસ કરતા 68 વર્ષીય મનુભાઈ સવાણી પોતાના 6 વર્ષીય પૌત્ર હિયાન સાથે મોપેડ પર તેમની 72 વર્ષીય બહેન સરોજબેન પટેલને મળવા ગયા હતા. ત્રણેય મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે અચાનક જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, જેમાં સરોજબેન ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આસપાસની કેટલીક મહિલાઓએ માનવતા દાખવી પોતાની ઓઢણીની ઝોળી બનાવી સરોજબેનને સાવધાનીપૂર્વક ઊંચકી ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી અને થોડી જ વારમાં તબીબી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સરોજબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું. ઘટનાએ પરિવારજનોને ગાઢ આઘાતમાં મૂકી દીધા છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક નંબરના આધારે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપવા માટે તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે. આ બનાવે ફરી એકવાર શહેરમાં વધતા અકસ્માતોના પ્રશ્ન પર ગંભીર ચર્ચા ઉભી કરી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ જગાડ્યો છે અને ભારે વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવાની માંગ ફરી ઉઠી છે.